Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુજાતિ ભેદભાવ, USA અને ભારતમાં; શું તફાવત છે?

જાતિ ભેદભાવ, USA અને ભારતમાં; શું તફાવત છે?

જાતિ ભેદભાવ, USA અને ભારતમાં; શું તફાવત છે?

USAના 140 શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે. અશ્વેત જ્યોર્જ ફ્લોયડની ગરદન શ્વેત પોલીસે એટલી દબાવી દીધી કે એનું મોત થઈ ગયું. શ્વેત પોલીસ સામે હત્યાનો કેસ થયો. જ્યોર્જ ફ્લોયડની ગરદન દબાઈ ત્યારે આટલા જ શબ્દો તે બોલી શક્યો હતો : ‘I Can’t Breathe-હું શ્વાસ લઈ શકતો નથી !’ સમગ્ર USAમાં ‘આઈ કાન્ટ બ્રેથ’ સૂત્ર દ્વારા માનવ અધિકારની તરફેણમાં લોકો દેખાવો કરી રહ્યા છે. કાળિયો મર્યો તેમાં ધોળિયાને કેમ પેટમાં દુખે છે? આ પ્રશ્ન ભારતના લોકોને મૂંઝવે છે.

ભારતમાં દલિતો ઉપર હિંસા થાય ત્યારે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ના નારા પોકારનારા અદ્રશ્ય થઈ જાય છે. ઊનામાં દલિતોને અર્ધનગ્ન કરી પાંચ કલાક સુધી આખા ટાઉનમાં લાઠીઓથી ઢોરમાર મારતા પરેડ કરાવી ત્યારે તથા થાનગઢમાં ત્રણ દલિતોની પોલીસ ગોળીબારમાં હત્યા થઈ ત્યારે દલિત સંસ્થાઓએ વિરોધ કર્યો હતો; પરંતુ નાગરિક સમાજની તેમાં ભાગીદારી બહુ જ ઓછી હતી. સતાપક્ષના ચૂંટાયેલા દલિત MLA અને બીજા MLA બિલકુલ ચૂપ રહ્યા હતા ! દલિતનો પ્રશ્ન આવે ત્યારે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લકવો થઈ જાય છે ! ઊના/થાનગઢ જેવી અમાનુષી ઘટનાઓ USAમાં બને તો નાગરિક સમાજ પ્રચંડ વિરોધ કરે; એટલું નક્કી. લોકશાહી માત્ર મત આપવા પૂરતી સીમિત ન હોય. લોકશાહી ત્યારે ભોગવી શકાય જ્યારે નાગરિક સમાજનો માંહ્યલો જીવતો હોય. ‘આઈ કાન્ટ બ્રેથ’ ઝૂંબેશથી સમજી શકાય છે કે USA અને ભારતમાં; જાતિ ભેદભાવમાં સામેની લડાઈમાં મોટો તફાવત છે. ભારતમાં દલિતોની સમસ્યા/લઘુમતીઓની સમસ્યા પ્રત્યે બહુમતી સમાજનું વલણ સંવેદનશીલ હોતું નથી; કેમકે આપણને માણસમાં માણસ દેખાતો નથી; પણ તેની જાતિ દેખાય છે, તેનો ધર્મ દેખાય છે !

જાતિ ભેદભાવની દ્રષ્ટિએ, અમેરિકા અને ભારતની તુલના કરીએ તો ત્યાં લોકોના પ્રશ્નો પ્રત્યે નાગરિક સામાજ/મીડિયા/જ્યુડિશરીને સાચુકલો લગાવ છે; ભારતમાં આ લગાવનો અભાવ છે. આપણે ત્યાં કોરોના સંકટ વેળાએ શ્રમિકો/વંચિતોની ચિંતા કરવાને બદલે એક નેતાની લોકપ્રિયતાની ચિંતા વધુ જોવા મળે છે. અમેરિકામાં અન્યાય સામે અવાજ ઊઠાવ નારાઓની સંખ્યા વધુ છે; આપણે ત્યાં થાનગઢમાં પોલીસે વધુ પડતા બળનો ઉપયોગ કરી ત્રણ દલિતોની હત્યા કરી ત્યારે નાગરિક સમાજમાં/મીડિયામાં થવો જોઈતો ઊહાપોહ ન થયો; કોર્ટ પણ આવી ઘટનાઓમાં કતરાતી હોય છે. આપણે ત્યાં દેખાવો થાય; હિંસા થાય કે આગ લાગે ત્યારે માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરે કહેલું આ વાક્ય યાદ આવી જાય છે : “A riot is the language of the unheard. જેમને સાંભળવામાં આવતા નથી તે રાયોટથી જવાબ આપે છે !” લોકતાંત્રિક રીતે, શાંતિપૂર્વક CAAનો વિરોધ કરનાર 14 જેટલા વિદ્યાર્થીઓને સરકારે જેલમાં પૂર્યા છે; તે અંગે આપણો નાગરિક સમાજ/મીડિયા/કોર્ટ ત્રણ વાંદરાની ભૂમિકામાં છે; જે જોવા/સાંભળવા/બોલવા માંગતા નથી !rs

RELATED ARTICLES

1 COMMENT

  1. સર, આ પોસ્ટ એ આપણાં હિન્દુ સમાજ નું સચોટ અને વાસ્તવિક વિશ્લેષણ બતાવે છે, પછી મુસ્લિમો ની સામે એકતા બતાવવા દલિતો, આદિવાસીઓ ની જરૂર હોય છે પણ ધાર્મિક સ્થળો, મેળાવડા વખતે નહિ હોતી. આ દોગલાપનું વારંવાર દેખાય છે અને દલિતો અને આદિવાસીઓ વારંવાર છેતરાય છે તેથી હવે તેમને સવર્ણ પર ભરોસો રહ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments