Wednesday, January 26, 2022
Homeજીંદગીબાળપણfortunately, ત્યારે ખબર નહોતી. પ્રેમ કોને કહેવાય? ~ડૉ. નિમિત્ત ઓઝા

fortunately, ત્યારે ખબર નહોતી. પ્રેમ કોને કહેવાય? ~ડૉ. નિમિત્ત ઓઝા

નોટબૂકના છેલ્લા પાનાં ઉપર એક હૃદય દોરવાનું. એ હૃદયને વીંધીને પસાર થતું એક તીર. એ તીરથી વિંધાયેલા હૃદયની ડાબી બાજુએ આપણા નામનો પહેલો અક્ષર લખવાનો. અને જમણી બાજુએ, ક્લાસરૂમમાં આપણને ગમતી પ્રિય વ્યક્તિના નામનો પહેલો અક્ષર.
નોટબૂકનું આ છેલ્લું પાનું, આપણી બાજુમાં બેઠેલા મિત્રને દેખાય, એમ નોટબૂક ખુલ્લી રાખવાની. આપણો મિત્ર એ હૃદયને જોઈને આપણને, પેલી ગમતી વ્યક્તિ જોડે ચીઢવે એટલે આપણા મનમાં કંકોતરી છપાઈ જતી.
નાના હતાં ત્યારે, નાક હજુ બરાબર ઉગ્યું નહોતું. એટલે કપાઈ જવાનો ડર પણ નહોતો. નફ્ફટ બનીને, ચાલુ વર્ગખંડે, શિક્ષક જેવા બોર્ડ ઉપર લખવા પીઠ ફેરવે કે તરત જ, નજર ફેરવીને આપણે પેલી ગમતી વ્યક્તિને જોઈ લેતાં.
લગ્ન એટલે શું ? fortunately, ત્યારે ખબર નહોતી. પ્રેમ કોને કહેવાય ? એવી એક પણ વ્યાખ્યા ગણિત-વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં નહોતી. એ સમયમાં, એક જ વાત સમજાતી…… ‘ગમવું’. પ્રેમ અને લગ્ન જેવી વસ્તુઓ પણ આ દુનિયા ઉપર હોય છે, એવી જાણ તો બહુ મોડી થઇ. પહેલાં તો ફક્ત ‘ગમવું’ જ સમજાતું ! અને આમ પણ, લગ્ન કહો કે પ્રેમ…..,દરેક સગપણની શરૂઆત અંતે તો ‘ગમવા’થી જ થાય છે.
જે વ્યક્તિના વિચાર માત્રથી હ્રદયના ધબકારા એટલા વધી જાય કે ટ્રેડમિલ પર દોડ્યા હોઈએ તો એ પહેલો પ્રેમ છે. પ્રેમના પુસ્તકમાં ફક્ત પ્રકરણો હોય છે, અનુક્રમણિકા નથી હોતી. કારણકે પ્રેમમાં ફક્ત ઘટનાનું મહત્વ છે, ક્રમનું નહિ. કોઈને પ્રેમ કરતા પહેલા આપણે ક્યારેય એ વ્યક્તિને એવું પૂછતાં નથી કે આપણે એ વ્યક્તિનો કેટલામો પ્રેમ છીએ ?
દરેક પ્રેમ તાજો અને કુંવારો જ હોય છે. પ્રેમમાં પડવાની ઘટના દરેક માટે સામાન્ય હશે, પણ એની અનુભૂતિ દરેક માટે અલગ અને આગવી હોય છે. એની સરખામણી ક્યારેય કોઈ બીજી ઘટના સાથે ન થઈ શકે.
પ્રેમમાં સંખ્યા અને ક્રમની બાબતમાં સભાન થઈને આપણે પ્રેમની ગુણવત્તા ગુમાવી દઈએ છીએ. ચોમાસામાં ભીંજાવા નીકળીએ ત્યારે એ મોસમનો બીજો કે પાંચમો વરસાદ છે એવી કોઈ ગણતરી આપણે રાખતા નથી. બીજા શહેરમાં તો ધોધમાર પડ્યો છે, એવી તુલના કરીને જે લોકો પોતાના ભાગે આવેલા ઝરમર વરસાદ સાથે રિસામણા લઈ લે છે, એ લોકો ક્યારેય પ્રેમ ન કરી શકે.
આપણા ભાગે આવેલી અપ્રતિમ પ્રાકૃતિક ઘટનાને મનભરીને માણી લેવાની દાનત એટલે પ્રેમ. સરખામણી કર્યા વગર સહુ કોઈ પોત પોતાના ભાગે આવેલો વરસાદ ઉજવે છે. પ્રેમમાં પણ એવું જ હોવું જોઈએ. પણ મોસમ પહેલો વરસાદ આપણને કાયમ યાદ રહી જતો હોય છે અને પહેલો પ્રેમ પણ.
-ડૉ. નિમિત્ત ઓઝા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments