Wednesday, January 26, 2022
Homeજીંદગીપ્રકૃતિ સામે બાથ ન ભીડવી, એ જીવન ટકાવી રાખવા માટેનો મૂળ મંત્ર...

પ્રકૃતિ સામે બાથ ન ભીડવી, એ જીવન ટકાવી રાખવા માટેનો મૂળ મંત્ર છે. ~ડૉ. નિમિત્ત ઓઝા

એક ચાઈનીઝ દ્રષ્ટાંતકથા છે. એકવાર એક વૃદ્ધ માણસ નદીના પ્રવાહમાં તણાઈ ગયા. નદીનો એ પ્રવાહ આગળ જઈને એક ખતરનાક ધોધમાં પરિણમતો હતો. આ દુર્ઘટના જોનાર લોકોને લાગ્યું કે આ વ્યક્તિ હવે પાછી નહીં આવે. પણ થોડા સમય પછી એમના આશ્ચર્ય વચ્ચે, એ વૃદ્ધ માણસ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં પાછા ફર્યા. ગામ લોકોએ પૂછ્યું કે ‘તમે બચી કઈ રીતે ગયા ?’. વૃદ્ધ માણસે જવાબ આપ્યો, ‘મેં મારી જાતને પાણીને હવાલે કરી દીધી. નદીના પ્રવાહની સામે જીત મેળવવાને બદલે, મેં મારી જાતને સમર્પિત કરી દીધી. નદીના પ્રવાહે મને આપમેળે એક સુરક્ષિત જગ્યા પર ફેંકી દીધો.’

આ કથા એક મેટાફોર છે. નદીના રૂપક દ્વારા આ કથા આપણને જીવનના પ્રવાહો વચ્ચે સર્વાઈવ થવાનું શીખવે છે. મહાન ચાઈનીઝ ફિલોસોફર લાઓ-ત્સે દ્વારા લખાયેલા પુસ્તક ‘તાઓ તે ચીંગ’ને જીવન જીવવા માટેનું મેન્યુઅલ કહેવામાં આવે છે. જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ આ પુસ્તકમાં છે. એમાંનો એક શબ્દ છે ‘વુ-વેઈ.’ એટલે કે ‘ડૂઈંગ નથીંગ.’ ‘કશું જ ન કરવું.’ પણ ભાષાંતર કરતા એ શબ્દનો અર્થ વધારે ગૂઢ અને વ્યાપક છે.

પ્રકૃતિ સામે બાથ ન ભીડવી, એ જીવન ટકાવી રાખવા માટેનો મૂળ મંત્ર છે. જગતની તમામ સમસ્યાઓ અને દુઃખના મુખ્ય બે જ કારણો છે. કાં તો થઈ રહેલા પરિવર્તનનો વિરોધ કરવો અથવા તો, આપણે ઈચ્છેલા પરિવર્તનની ઝંખના કરવી. આ બંને પરીસ્થિતિઓમાંથી બચવાનો એક માત્ર માર્ગ છે ‘વુ-વેઈ.’ એટલે કે ‘ગો વિથ ધ ફ્લો.’

અસ્તિત્વ અને આનંદ મુખ્ય બે સ્તંભ પર ઉભેલા છે. સ્વીકાર અને સમર્પણ. બદલાતી પરીસ્થિતિઓ સાથે અનુકુલન અને સુમેળ સાધીને આગળ વધવું, એ એક માત્ર વિકલ્પ છે. કારણકે જગત આપણી ઈચ્છાઓ પ્રમાણે નથી ચાલતું. એ બ્રમ્હાંડના નિયમોથી ચાલે છે. કરોડો વર્ષો પહેલા જ્યારે પૃથ્વી પણ નહોતી, ત્યારે પણ યુનિવર્સલ ફોર્સ અને વિઝડમ અસ્તિત્વમાં હતા. એ આજે પણ છે. એ ફોર્સ વિશ્વવ્યાપી છે. આપણા બધાની સામુહિક તાકાત કરતા પણ એ ફોર્સ વધારે બળવાન છે. આપણી જાતને એ યુનિવર્સલ વિઝડમને સમર્પિત કરી દેવી, એ જીવતા રહેવાનો એક માત્ર માર્ગ છે.

એ ક્રિકેટ હોય કે જંગનું મેદાન. કોઈ એડવેન્ચર હોય કે રિસ્કી ઓપરેશન. દરેકને આપવામાં આવતી અમૂલ્ય સલાહ એક જ હોય છે, ‘ફોલો યોર ઈન્સ્ટીન્ક્ટ.’ તમારી માનવ-સહજ વૃત્તિઓ પર ભરોસો રાખો. આગળ જવાનો માર્ગ આ પ્રકૃતિ જ આપણને બતાવે છે. આ કુદરત જ આપણું માર્ગદર્શક છે. એ જ આપણને કોઈ સુરક્ષિત સ્થળે પહોંચાડશે.

સમયની અનંત ટાઈમ-લાઈન પર આપણી જાતને વહેતી મૂકી દેવી, એ સર્વાઈવ થવાનો ગુરુ-મંત્ર છે. આપણે આ બ્રમ્હાંડના સંતાનો છીએ. અને બ્રમ્હાંડ આ પરિવર્તન ઈચ્છે છે. સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ પાણી છે. એ ‘લીસ્ટ રેસિસ્ટન્સ’ના રસ્તે વહી શકે છે. પોતાની જાતને કોઈપણ આકારમાં ઢાળી શકે છે. પણ એનો અર્થ એ નથી કે પાણી નિર્બળ છે. પોતાના ફોર્સથી એ પથ્થરને પણ તોડી શકે છે. સમર્પણનો અર્થ, નિર્બળતા નથી. સમર્પણ ફક્ત સાહસિકો જ કરી શકે છે. આ સમર્પણ જ એમને શક્તિશાળી બનાવે છે.
-ડૉ. નિમિત્ત ઓઝા (all © reserved)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments