Wednesday, January 26, 2022
Homeજીવનશૈલીપ્રવાસનહાથીણીમાતા ધોધ ઘોઘંબા - એક યાદગાર સફર ~ દિલીપ પટેલ

હાથીણીમાતા ધોધ ઘોઘંબા – એક યાદગાર સફર ~ દિલીપ પટેલ

આ ધરતી કેટલી સુંદર છે! અહીં માનવીઓની સાથે નદી, ડુંગર, મોટા પર્વતો, સાગરો, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, સૂક્ષ્મ જીવો અને આજકાલ ચર્ચામાં છે એ વિષાણુઓ વગેરેથી એ શોભી રહી છે. કોઈ મને એમ કહે કે આને હજું વધુ સુંદર બનાવવા શું કરવું જોઈએ? તો મારો જવાબ છે આ પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિનુ સારી રીતે જતન કરો. એ હજુ સુંદર બની જશે. ધરતીને સ્વર્ગ બનાવવી હોય તો એમાં બધાને જીવવાનો તાલમેલ રહેવો જોઈએ.

બીજાં ગ્રહો પર હજુ જીવન શોધાય ત્યાંથી સુધી માનવીએ એને જીવવા યોગ્ય બનાવી રાખવી પડશે. લાખો લોકો બચાવવા પ્રયાસ કરે પણ કરોડો લોકો એને નાશ પમાડવા બેઠા છે. આ યુદ્ધ ભયંકર પતન લાવી દે એ પહેલાં આ સંખ્યા બદલાવી જોઈએ. કરોડો લોકો બચાવવા પ્રતિબદ્ધ બનશે ત્યારે સ્વર્ગ અહીં હાથમા હશે.

આવી જ એક મજાની સફર પર ધરતીની હરિયાળીને પામવા નિકળી પડ્યા. એક નાનકડા બાળકનો જન્મદિવસ ઊજવવા અમે કુદરતનાં ખોળે ગયાં. એ સ્થળે જતાં રસ્તામાં  અમે કેક કાપી અને બધાં આનંદવિભોર બન્યા. હા, કચરો જંગલોમા ન ઠાલવીને.

એક ડુંગર પર ગાડીઓ ઊભી રાખીને તોડાય એટલાં અંડુરા- સીતાફળ તોડ્યાં. અહીં તમે જંગલમાંથી જાતે તોડી શકો! ગુલાબી આંખો વાળા તોડીએ તો બે-ત્રણ દિવસમાં પાકી જાય. એને ઘરે લાવીને ડાંગરની ગંજીમાં હાથથી કાણું પાડવાનું પછી એમાં એક પછી એક અંદર નાખવાના. બે દિવસ પછી એ બરફીઈઈઈ જેવા ટેસ્ટી બની જાય. ત્યાંથી બધાએ થેલીમાં ભરીને લીધાં. એક કાકા ₹૨૦૦/- નું એક ટોપલુ ભરીને વેચતા હતા એ પણ લીધાં.

એ ડુંગરની ધારે ધારે જતાં રસ્તામાં લીલાંછમ ખેતરો અને અડધાં બોડા ડુંગરને નિહાળતા નિહાળતા આવ્યાં એક ધોધને મળવાં. અમે હાથીણી માતાના ધોધને નમીને ન્હાવાની મજા લૂંટવાના હતાં. ત્યાં જવા રસ્તામાં રાહૂલ અમારો ભોમિયો બન્યો. નવેક વર્ષના ટેણીયો શાળાએ જતો નથી. પણ અહીં આવનારને એની ગળથૂથીમાં મળેલી ભાષા અને એક શ્રેષ્ઠ ભોમિયાના ગુણ હોય એમ રસ્તો અને મહત્વ કહેતો હતો. સીધાં રસ્તે એ ખેતરોમાં રસ્તો બતાવતો ચાલતો હતો. દોડીને ઝરણામાં છલાંગ લગાવતો અને સામે દેખાતાં ડુંગર પર બેઠેલા વાંદરા બતાવી વાનરવેડા કરતો એ ઘડીક આગળ તો ઘડીક પાછળ દોડતો હતો.

આ સ્થળે અમે પહોંચ્યો તો ફેસબુકે યાદ કરાવ્યું કે બરાબર સાત વર્ષે, સાત તારીખે હું આજ દિવસે ત્યાં આવ્યો હતો. આજે અનાયાસે ત્યાં આવ્યાં હતાં. ત્યારે થયું કે કુદરત કોને મળવાનાં કેવાં સંજોગો ઉભા કરે છે એ ખબર પડતી નથી.

હાથીણી ધોધ એ પંચમહાલ જિલ્લાનું ઘરેણું છે. એ જ્યારે ધોધમાર વરસાદ પછી પૂર્ણ રૂપે બે ડુંગરો વચ્ચેથી વહેતો હોય અને એની ધારાઓ ચારેક જગ્યાએથી નીચે પડે ત્યારે જાણે દૂધાભિષેકથી સ્નાન કરતી હાથીણીની શીલા,  એની ઉપરની શીલાઓ પર તાજી બાજેલી લીલ અને શેવાળથી વધુ દૈદિપ્યમાન બની જાય છે. બે બાજુ અડધાં બોડા ડુંગર પથ્થરની શીલાઓથી સૂરજનાં કિરણોથી ચમકી રહ્યાં હતાં.

વચ્ચેના લપસણા પથ્થરો પાર કરીને તમે ઉપર આવો અને જમણી બાજુએથી લાંબી ધારે વહેતો ધોધ, પથ્થરો પર જાણે દુધની ધારા વહેડાવતો હતો. અમે એનાં દુધિયા પાણીમાં તરબોળ બનીને ભીંજાવા લાગ્યાં. માથાં પરથી એ ધારાઓ આખાં શરીર પર પડે ત્યારે રોમરોમ પુલકિત થઇ જાય. નીચેથી કોઈ વારંવાર આ ક્ષણોને કેમેરામાં ક્લિક કરે એવી બૂમો સૌ પાડતાં હતાં. અમને પણ અહીં દેખાતી તસવીરોમાં સાથીઓએ કંડારી લીધાં.

ધોધની ઉપરની બાજુ ચડવું એટલે રોમાંચ અને સાહસ ભર્યું હતું. એક ભાઈ ગયાં અને હું પણ એની પાછળ ઉપર ગયો. ત્યાં એક મોટો સાપ ધોધને પોતાની ફેણ પર ઝીલીને ડોલતો હતો. એને આમ જોઈને એની ચળકતી ચામડી પાણીથી વધુ ચમકી રહી હતી‌. સાપના ડરથી ધોધ નીચે ન્હાતી ભીડ ઓછી થઈ ગઈ. અમે એ છતાંય ત્યાં રોકાયા.

નીચે હાથીણી શિલાને જોઈને ઉપર ઓછાં વરસાદથી નાની ધારાઓ વહેતી એને અનિમેષ તાકી રહ્યા. ખળખળ ખળખળ વહેતું ઝરણું અને માંડ વીસેક વ્યકિતઓનો કલશોર વાતાવરણને સંગીતમય બનાવી રહ્યો હતો. આમ એક નિજાનંદ દિવસને યાદગાર બનાવી ઘર ભણી ચાલી નિકળ્યાં. રાહૂલને ભણવા માટે કહીને, બે કલાકની એની ભેટ આપી ઘર ભણી ગાડી હંકારી મૂકી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments