Wednesday, January 26, 2022
Homeજીવનશૈલીપ્રવાસનસાબરકાંઠાનો ઇડરિયો ગઢ જે પ્રવાસન સ્થળની સાથે સાહિત્યનું એક નવું નજરાણું ~...

સાબરકાંઠાનો ઇડરિયો ગઢ જે પ્રવાસન સ્થળની સાથે સાહિત્યનું એક નવું નજરાણું ~ કાનજી મકવાણા

ઉનાળામાં ધોમ તપતા આ ઇડરમાં બે વરસાદ પછી ઈડિરિયા ગઢનું સૌદર્ય તો જુઓ. ઇડરના આ પહાડો અને અરવલ્લીની ગિરિમાળાને જોવો એટ્લે મને હમેશા એક વિચાર આવે કે ઇડરની ‘સર પ્રતાપ હાઈસ્કૂલ’માં ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ લઈ આવનાર બે-બે સાહિત્યકારો સહાધ્યાયી રહ્યા, ઉમાશંકર અને પન્નાલાલ. પણ મને એક વિચાર એવો આવે કે આવા બે સર્જકો સાથે ઇડર અને અરવલ્લીને એક મેઘાણી ય મળ્યા હોત તો આ ઇડરિયા ગઢ અને આ વિશાળ ગિરિમાળામાં ઘટી ગયેલી અનેક કથાઓ આજે આપણી સામે ઊભી હોત. આવી દરેક જગ્યા અને સમાજમાં અદભૂત વાતો બની જ હોય છે, બસ જરૂર હોય છે કોઈ મેઘાણી જેવાની, જે રખડી-ભમીને એ વાતો શોધીને લોકો સામે મૂકે. (સૌરાષ્ટ્રમાં કેટલીય એવી જ્ઞાતિઓ હોય છે જેમાં સ્ત્રીઓ કોઇ પરપુરુષની સાથે વાત પણ નહોતી કરતી, એ સ્ત્રીઓએ મેઘાણી સામે બેસીને એને ગીતો-કથાઓ આપી છે, વિચારો એ માણસની માણસ પાસે વાત કઢાવવાની કળા અને પાત્રતા કેવી હશે.)

મૂળ વાત પર આવીએ, જ્યાં કોઈ કલાકૃતિ કે કાવ્ય જેવું સૌદર્ય ધરાવે છે પથ્થરોનું મુકામ એવું ઇડર ભારત-ગુજરાતનું પૌરાણિક અને ઐતિહાસિક નગર જેનો ઉલ્લેખ મહભારત કાળમાં ય ‘ઇલ્વદુર્ગ’ નામે જોવા મળે છે. અરવલ્લીની ગિરિમાળામાં એક જાણીતા-દુર્ગમ-સુદર અને વ્યૂહાત્મક પહાડ એવા ‘ઈડરીયા ગઢ’ની ગોદમાં વસેલું આ ઇડર અને આ ગઢ કેટલીય ઐતિહાસિક ઊથલપાથલો સામે ઝીંક ઝીલીને એ બધાની સાક્ષી રૂપ આજે ય ઊભા છે, આપણે ત્યાં ‘ઈડરિયો ગઢ જીત્યા રે…’ એવું લોકગીત ય ગવાતું રહ્યું પણ ઈડિરિયો ગઢ અજેય રહ્યો છે. ગુજરાતનાં એક બીજા ગિરિનગર જુનાગઢની જેમ અહીના રાજાઓ પણ ‘રાવ’ કહેવાયા.(જુનાગઢ રાજાઓ સોરઠી બોલીમાં ‘રાવ’ ના રા’ થઈને રા’ નવઘણ, રા’ ખેંગાર એમ ઉલ્લેખાય છે અને અહી ઇડરના શાસકો રાવ રણમલ, રાવ પુંજા એમ કહેવાયા.)

પથ્થરોનું સૌદર્ય કેવું હોય એ આ પહાડો પર જોવા મળે, ફોટોગ્રાફરોનું ફેવરિટ ડેસ્ટિનેશન. તમે જ્યારે પણ જાઓ ત્યારે મોટેભાગે તમને કોઈ ફોટોગ્રાફર એના સ્પેશ્યલ કેમેરા અને તામજામ સાથે જોવા મળી જાય એવી શક્યતા ખરી જ.કલાકૃતિ જેવા મહાકાય પથ્થરો ઉપરાંત આ ગઢ ‘દોલત પેલેસ’, પગથિયાં વિના ઘણી ઊંચાઈ આવેલો સુંદર ‘રૂઠી રાણીનો જરૂખો’, ઈડિરિયા ગઢની રખેવાળી કરવા નિર્માણ પામેલી દુર્ગમ ‘રણમલ ચોકી’, રાની તળાવ, અને કેટલાય સદીઓ જૂના મંદિરો અને દેરાસરો સાથેનો આ ગઢ યુવામનને આકર્ષે એવો છે. આ ગઢને એકવાર ખૂંદનાર-ભમનાર આજીવન ક્યારેય એને ના ભૂલી શકે એવી છાપ રહે અહીની. હું એક જ વાર ઉભડક ઉભડક ગયો છુ ત્યારથી એક ઇચ્છા ખરી કે એકવાર સાવ નિરાંતે જાવું છે. એટ્લે જ તો આ પહાડો આ ઇડરમાં જેમનો પિંડ બંધાયો એવા ઉમાશંકર જોશીએ ગીત લખ્યું કે,

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.

આપણાં ગુજરાતનો આ ઘર આંગણાનો આ ગઢ જેમના મનમાં અને પગમાં જોમ છે એમને આ ઋતુમાં એકવાર અચૂક ખૂંદવા જેવો…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments