Wednesday, January 26, 2022
Homeસાહિત્યકોલમકોરોનાથી બચી જશો તો મોંઘવારીથી મરશો ~ નરેશ મકવાણા

કોરોનાથી બચી જશો તો મોંઘવારીથી મરશો ~ નરેશ મકવાણા

કોરોના રોગચાળાને કારણે દેશભરમાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને છતાં સરકાર જનસામાન્યને કશીય રાહત આપવાના મૂડમાં નથી. હાલ પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં થયેલો આકરો ભાવવધારો સરકારની માનસિકતાની ચાડી ખાય છે. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં સરકાર પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં એટલો વધારો કરી ચૂકી છે, જેટલો એપ્રિલ 2002માં આ ઈંધણોની કિંમતને સરકારી નિયંત્રણમાંથી બહાર કરવાના નિર્ણય પછી કોઈ એક અઠવાડિયામાં નથી વધ્યો. આ રેકોર્ડ પણ એજ સરકારમાં બન્યો જેમણે બધું શક્ય હોવાનું સૂત્ર આપ્યું છે.

વડાપ્રધાને કોરોના વાયરસની મુશ્કેલી વચ્ચે આફતને અવસર બનાવવાનું સૂત્ર આપ્યું અને તેમની સરકાર તથા પેટ્રોલિયમ કંપનીઓએ તેને ખરા અર્થમાં સાકાર કરી બતાવી. એવું લાગે છે કે સરકારને પહેલા જ ખ્યાલ આવી ગયો હતો કે આફત આવવાની છે અને તે કમાણીનો મોટો અવસર હોઈ શકે છે. એટલે કોરોના વાયરસનો ચેપ રોકવા માટે લોકડાઉન લાગુ થયાના દસ દિવસ પહેલા 14 માર્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ત્રણ-ત્રણ રુપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી હતી. આ વધારા પછી સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારવાની એ મર્યાદા સુધી પહોંચી ગઈ જેની મંજૂરી તેને સંસદમાંથી મળી હતી. એટલે બરાબર સંસદનું બજેટ સત્ર પુરું થાય તે પહેલાં 23 માર્ચે સરકારે એક દરખાસ્ત દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવાની મંજૂરી લઈ લીધી.

જ્યારે સરકારે સંસદ પાસેથી એક્સાઈઝ ડ્યુટી વધારવાની મંજૂરી લીધી ત્યારે તેને રૂટીન કામ માનવામાં આવ્યું. તેને ભવિષ્યનાં ઉપાય તરીકે જોવામાં આવી અને મોટાભાગનાં જાણકારોનું માનવું હતું કે સરકાર જરૂર પડ્યે ધીરેધીરે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરશે. પણ સરકારની ઈચ્છા તો કંઈક જુદી જ હતી. મે નાં પહેલા અઠવાડિયામાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ પાણીનાં ભાવે મળી રહ્યું હતું અને તેની કિંમત 20 ડોલર પ્રતિ બેરલ આસપાસ હતી, જે 1999 પછીનું સૌથી નીચલું સ્તર હતું, ત્યારે કેન્દ્ર સરકારે 6 મેએ અચાનક પેટ્રોલ ઉપર 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ઉપર 13 રુપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી. એ રીતે કાચું તેલ સસ્તુ થવાનો જે લાભ સામાન્ય માણસને મળવાનો હતો તે સરકારે લઈ લીધો. એ પછી વધી ઘટી કસર રાજ્ય સરકારોએ પુરી કરી દીધી. તેમણે કોરોના વાયરસને કારણે ખજાનો ખાલી હોવાની દુહાઈ આપીને પેટ્રોલ, ડીઝલ પર વેટ વધારી દીધો. ભારત સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ વેટ વધાર્યો તો પેટ્રોલિયમ કંપનીઓને પણ સામાન્ય માણસનું લોહી ચૂસવાની છૂટ મળી ગઈ.

અને તેમણે 07 જૂનથી ભાવની દૈનિક સમીક્ષા શરૂ કરી દીધી. અહીં દૈનિક સમીક્ષાનો અર્થ એ નથી કે કોઈ દિવસ ભાવ વધે અને કોઈ દિવસ ઘટે. તેમણે સતત 18 દિવસ ભાવ વધાર્યા અને સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારીને તેમની પાસેથી જે વસૂલી કરી હતી તે તેમણે સામાન્ય માણસને ખંખેરીને વસૂલ કરવા માંડી. આ લખાઈ રહ્યું છે ત્યારે દિલ્હીમાં લોકો 80 રુ. પ્રતિ લીટરમાં જે પેટ્રોલ ખરીદી રહ્યાં છે તેમાં 51 રુપિયા એટલે કે 64 ટકા હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ટેક્સ છે. કેન્દ્ર સરકાર 33 રુપિયા અને રાજ્ય સરકાર 18 રુપિયા ટેક્સ વસૂલી રહી છે. એ જ રીતે એક લીટર ડીઝલ ઉપર 50 રુપિયા એટલે કે અંદાજે 63 ટકા હિસ્સો ટેક્સનો છે, જેમાં કેન્દ્રનાં 32 રુપિયા અને દિલ્હી સરકારનો ભાગ 18 રુપિયા છે.

6 વર્ષ પહેલાં 16 મે 2014નાં દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 108 ડોલર પ્રતિ બેરલ હતી ત્યારે પેટ્રોલનો ભાવ 71.41 રુપિયા હતો, જેમાં કેન્દ્ર સરકારનો ટેક્સ 9.20 પૈસા હતો, આજે કાચું તેલ 40 ડોલર પ્રતિ બેરલ છે અને પેટ્રોલનો ભાવ 80 રુપિયા પ્રતિ લીટર છે જેમાં સરકારનો ટેક્સ 33 રુપિયા છે. 16 મે 2014માં દિલ્હીમાં ડીઝલનો ભાવ 55.49 રુપિયા હતો, જેમાં કેન્દ્ર સરકારનો ટેક્સ માત્ર 3.46 રુપિયા હતો. આજે ડીઝલનો ભાવ 79 રુપિયા પ્રતિ લીટર છે, જેમાં કેન્દ્ર સરકારનો ટેક્સ 32 રુપિયા છે. ડીઝલ ઉપર કેન્દ્રનો ટેક્સ છ વર્ષમાં 820 ટકા વધ્યો છે.

કેન્દ્ર, રાજ્ય સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓનાં સરકારી બાબુઓને લાગે છે કે લોકો પહેલેથી જ આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે તો આ ભાવવધારો પણ ભોગવી જ લેશે. કોરોના વાયરસનો ચેપ રોકવાનાં નામે વગર વિચાર્યે અને કોઈ પૂર્વતૈયારી વિના લાદવામાં આવેલું લોકડાઉન લોકોએ સહન કરી લીધું તો આ પણ કરી લેશે. લોકો મડદાંની જેમ ચૂપચાપ બધું સહન કરતા ગયા એટલે સરકારની હિંમત વધી કે હજુ થોડો વધુ બોજો નાખીશુ તો વાંધો નથી. એવું લાગી રહ્યું છે જાણે સરકાર લોકોની પરીક્ષા લઈ રહી છે. તે જોવા માંગે છે કે લોકો કઈ હદ સુધી જુલમ સહન કરી શકે છે.

કોઈપણ લોકહિતકારી સરકાર પાસેથી આશા રાખવામાં આવે છે કે તે મુશ્કેલીનાં સમયમાં પોતાના નાગરિકોની મદદ કરે તેમની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કરે અને આપી શકાય તેટલી રાહત આપે. પણ વર્તમાન સરકારે ઉલટાનું લોકોની મુશ્કેલીઓ વધારી છે. રાહતનાં નામે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તે મૂળે તો લોન સ્કીમ નીકળી. વિપક્ષો અને તમામ આર્થિક નિષ્ણાતોનો મત ફગાવીને ધરાર લોકોનાં બેંક ખાતામાં રૂપિયા ન નાખ્યાં. ઉલટાનું લોકો પર મોંઘવારીનો બોજો નાખતી ગઈ.

આવું દુનિયાનાં કોઈ દેશમાં નથી થઈ રહ્યું. કોઈ દેશે આફતને આ રીતે અવસર નથી બનાવી. દુનિયાનાં સભ્ય દેશોમાં કોરોના વાયરસની તપાસ મફત થઈ રહી છે, સારવારની સુવિધાઓ સરકાર આપી રહી છે, લોકોનાં હાથમાં રોકડ રકમ મૂકવામાં આવી રહી છે, સરકારો કંપનીઓને રુપિયા આપી રહી છે જેથી તે પોતાના કર્મચારીઓનો પગાર ન કાપે કે તેમની છંટણી ન કરે, પરંતુ ભારતમાં આ બધાંથી તદ્દન ઉલટું થઈ રહ્યું છે. કોરોના ટેસ્ટને નામે લૂંટની છૂટ સ્વયં સરકારે દઈ રાખી છે. એક પછી એક મોંઘી દવાઓને સરકાર મંજૂરી આપતી જઈ રહી છે. દર્દીઓની સતત વધતી જતી સંખ્યા છતાં ખાનગી હોસ્પિટલોને ટેકઓવર નથી કરવામાં આવતી. તેમની મનફાવે તેવી ફી પર પણ નિયંત્રણ લાદવામાં નથી આવતું. કંપનીઓ મનમરજી પ્રમાણે કર્મચારીઓને કાઢી રહી છે અથવા કામકાજ બંધ કરી રહી છે. ઈતિહાસ આ વાતને પણ કાયમ યાદ રાખશે કે જે સમયે લોકો એક એક રુપિયા, અનાજનાં એક એક દાણાં માટે વલખાં મારતાં હતા, ટેસ્ટથી લઈને સારવાર સુદ્ધાં માટે આમતેમ ભટકી રહ્યાં હતા એ સમયે દેશની સંવેદનહીન સરકાર થાકેલાં-હારેલાં અને દરેક મોરચે પાયમાલ થઈ ચૂકેલાં નાગરિકોનું લોહી ચૂસીને ખજાનો ભરવામાં લાગેલી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments