Wednesday, January 26, 2022
Homeપ્રતિબિંબસશક્તિકરણ"મારું મિશન લોકોને ન્યાય અપાવવાનું અને સશક્તિકરણ કરવાનું છે": પંક્તિ જોગ મેડમ.

“મારું મિશન લોકોને ન્યાય અપાવવાનું અને સશક્તિકરણ કરવાનું છે”: પંક્તિ જોગ મેડમ.

એક જમાનો હતો, જ્યારે અભણ, ગરીબ અને પછાત લોકોને પોતાના ખુદના હક માટે દરબદર ભટકવું પડતું હતું. ધૂંશ ખાઈ ગયેલા અધિકારીઓના એકતરફી શાસન સામે સૌ વર્ગો લાચાર હતાં. પણ સમયે કરવટ બદલી અને કોંગ્રેસ શાસિત સરકારે અતિ મહત્વનો કાયદો લઈ આવી જેને ગરીબોમાં પ્રાણ પૂર્યો. જી..હા.. વર્ષ ૨૦૦૫ના માહિતી અધિકારના કાયદા Right to Information (RTI)ની જ હું વાત કરી રહ્યો છું.

કાયદો બન્યો પણ લોકો એને જોઈએ એટલો સમજી નહોતાં શક્યા. એવામાં એક નવું સમાજસેવકનું નામ પ્રચલનમાં આવ્યું- RTI Activist. જે આ કાયદા થકી લોકોને એમના હકોની પરખ કરાવતાં હતાં. એવા જ એક આરટીઆઇ એક્ટિવિસ્ટનો આજે જન્મદિવસ છે.

મૂળ ગોવાના આ કાર્યક્રરે ગુજરાતમાં મદદની જ્યોત જગાવી છે. આ જ્યોતના કર્તા એટલે પંક્તિ જોગ મેડમ. વર્ષ ૨૦૦૧નાં ભૂકંપ બાદ ફાળવાયેલા ભંડોળ અને એની જમીની હકીકત જાણી પંક્તિ મેડમે મનોમન હકીકતો જાણવાનું નક્કી કરી લીધું હતું. એ વખતે આરટીઆઇ નહોતો પણ એમની મદદની ભાવના પ્રબળ હતી.

માહિતી અધિકારની કર્તાહર્તા સંસ્થાઓ જનપથ અને માહિતી અધિકાર ગુજરાત પહેલ (MAGP) સાથે જોડાયાં અને પછી હેલ્પલાઇન થકી લોકોને જોડવાનું શરૂ કર્યું. પછી તો વર્ષ ૨૦૦૮માં શરૂ કરેલ જનપથની RTI On Wheels વાન થકી ભારતના ૧૮થી વધુ રાજ્યના ૪૦૦૦ જેટલાં ગામડામાં આરટીઆઇને ગૂંજતું કર્યું. રાજકોટનાં અંધ રત્નાભાઈ હોય કે કચ્છના અગરિયાઓ હોય કે પછી દુરદરાજ રહેતા અતિ ગરીબ પછાત લોકો હોય, દરેકને આરટીઆઇ થકી પોતપોતાના હકો અપાવ્યા છે.

પંક્તિ મેડમની ભાવના આરટીઆઇ પૂરતી સીમિત નથી, એમની ભીતર તો દુખિયાઓના આંસુ લૂછવાની તલબ હોય. અન્યાયને સામે બાંગ પોકારી અને ઝઝૂમવું એ એમની જીવની છે.

કોરોનાકાળમા કરેલા એમના કાર્યોને પુરસ્કાર ઓછાં પડે. સરકાર દ્વારા જાહેર કરેલાં અન્નનો ક્વૉટા મળતિયાંઓ ખાઈ જતાં હતાં અને ભૂતિયાં રેશનકાર્ડને નામે ચાલતાં કારનામાંઓ જગજાહેર હતાં. એવામાં પંક્તિ મેડમ અને ટીમ ગરીબોના વારે આવી સતત ગ્રાઉન્ડ લેવલે અને સોશિયલ મીડિયા થકી દરેકને પોતાનાં ભાગનું અન્ન પહોંચાડવાનું પુણ્યકાર્ય કર્યુ છે.

એમણે દુરદરાજ રહેતાં ગરીબ વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે પડતી અગવડતાઓને ધ્યાને લઈ ગુજરાતનાં મદદનીશ લોકોની સહાયતાથી જૂની સાયકલો દાનમાં લઈ એનું રીપેરીંગ કામ કરી ગરીબ બાળકોને આપી એમનાં ચહેરા પર હાસ્ય લાવવાનું ભગીરથ કામ કર્યુ છે. ગરીબો અને તરછોડાયેલાં લોકો માટે જીવનારાં પંક્તિ મેડમ ખૂબ જ ખંતીલા અને પ્રેરણાદાયક આભા ધરાવે છે. મીઠેરું સ્મિત અને સતત કંઈ કરી છૂટવાની મુદ્રાઓ એમનાં ચહેરાં પર ઝલકે છે.

આજે એમનાં જન્મદિવસે એમનાં સેવાકાર્યને સલામ કરું છું. અને એમનું જીવન અઢળક ખુશીઓથી ભરપૂર રહે અને આમ જ લોકોની સેવા કરતાં રહે એવી કામના કરું છું.

~વિશાલ દંતાની

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments