Wednesday, January 26, 2022
Homeપ્રતિબિંબપ્રેરણાત્મકઆવી જ ભયાનક પરિસ્થિતિમાં પણ એક બાપ પોતાના દિકરાઓ માટે કેટલો ચિંતિત...

આવી જ ભયાનક પરિસ્થિતિમાં પણ એક બાપ પોતાના દિકરાઓ માટે કેટલો ચિંતિત છે. ~દિલીપ પટેલ

#નવ_હજારનો_ફોન…
#સાહેબ_અમે_તો_બુહાના_બુહા_જ_રહ્યા પણ છોકરાંઓને તો ભણાવવાના છે….

વૈશ્વિક મહામારીએ માણસને લાચાર બનાવ્યો છે. પોઝિટિવ શબ્દ ભલે આજે નેગેટિવ કરતાં ખરાબ બની ગયો. પરંતુ આશા અમર છે.

આવી જ ભયાનક પરિસ્થિતિમાં પણ એક બાપ પોતાના દિકરાઓ માટે કેટલો ચિંતિત છે, એ રૂબરૂ એના મુખે સાંભળીને ગદગદ થઈ જવાયું.

ટીમ્સ એપ્લીકેશનનો ઉપયોગ એક બાળકને એનાં ઘરે શિખવાડતો હતો ત્યાં એક વાલી આવી પહોંચ્યો.

“સાહેબ ઉભાં રહેજો! મારો ‘શૈલો’ આવે છે.” મેં જોયું તો એક વાલી મારી પાછળ આવીને ઊભો હતો.

“થોડીવારમાં હું જ તમારા ઘરે આવું છું.”

“પણ, સાહેબ તમે ની મોનો ! મારે છે ને બારિયા જવાનું છે. તમે એને ઘેર મળીને જ જજો”

“અરે કશો વાંધો નથી, તમે જાવો હું તમારા ઘરે જાવું છું.”

“પણ, સાહેબ સોંભળો ! અમે તો બુહાના બુહા રહ્યા પણ છોરા તો ભણાવવાના જ છે. ગમે તે થાય… નેહાળ બંધ છે તો હદી એમનું ભણવાનું ની બગડે એટલે મોબાલ લાવી આપ્યો છે. તમે જરીક ટકોર કરતાં જજો.”

“અરે મોબાઈલ લાવાની શું જરૂર હતી? કોણે કહ્યું હતું તમને? ખોટો ખર્ચો ની કરાય? તમે આવું શું કામ કર્યું?”

“સાહેબ એવું નથી, હું મંજૂરી કરીને પૈસા ભેગા કરી દે પણ આ છોરનું ભણવાનું બગડશે. એ આ ઉંમરે ની ભણેશે તેર મારી જેમ મંજૂરી કરે એ મને ની પોહાય… હું કાદુક ને નોકરી મળે એટલું ભણાવીને જ છોડીશ….”

“કેટલામાં મોબાઇલ લાવ્યા?”

“#નવ_હજારમાં…, પણ એ તો છે ને સાહેબ બારિયે બે મયના મજૂરી કરીશ એટલે મોબાલનુ દેવું પુરું સાહેબ… મારે હું સાહેબ.. બીજાં જેવું થોડું છે હાથ ધરી ને બેહી રેવા’નુ”

…………. હું નિ: શબ્દ બની તાકી રહ્યો

” લો હેંડો સાહેબ! હું જવ… પણ “શૈલા” ને “મન્યા”ને બતાડતા જ જો”

પછી એને બાઈકને કીક મારીને ઉબડખાબડ રસ્તા પર જતાંં જોઈ જ રહ્યો… એ દેવગઢ બારિયા જશે અને કોઈ ઉચ્ચક ઈંટો ચડાવવાનું, તોડફોડનુ કે કશીક બીજી જે છૂટક મજૂરી મળશે એ રોકડી કરી લાવશે…..દેવું ધોવા….
#નવ_હજાર કેવી રીતે મેળવ્યા હશે એ પણ પ્રશ્ન છે…

હું થોડીવાર પછી શૈલેષ અને મનિષને એના નવા મોબાઈલમાં ટીમ્સ, દીક્ષા એપ્લીકેશન ડાઉનલોડ કરાવવા એના ઘરે પહોંચ્યો. નવા ફોનનો આનંદ છોકરાંઓ માં દેખાતો હતો. મને એમના બાપનો ચહેરો… મારી ફરજ ને વધુ નિષ્ઠાથી નિભાવવાની પ્રેરણા જાગે એવી મનોમન પ્રાર્થના કરતો રહ્યો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments