Wednesday, January 26, 2022
HomeCurrentશિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં!

શિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં!

હમણાં હમણાં ખાનગી શાળાઓની ફી ઘટાડવા અથવા ફી માફી માટે વાલીઓ મેદાને પડયા છે. ભાઈ શું કામ ફી ઘટાડે? લાખો રુપિયા ફી ભરનાર વાલીઓને ત્રણ મહીનાની ફી ભારે પડે છે? સરકાર શા માટે તમારી ફી ભરે? સરકારે તમને સરકારી શાળામાં મફત શિક્ષણની વ્યવસ્થા આપેલી જ છે. ત્યાં તમારા બાળકને દાખલ કરી આવો ચોપડા અને યુનીફોર્મ પણ આપવામાં આવશે. પણ તમારે રુપિયા ખર્ચયાનો આત્મસંતોષ લેવો છે. સમાજમાં બેસીને મારા છોકરાની પોણાં બે લાખ ફી ભરુ છું એવું ગૌરવ લેવું છે. તો એ ગૌરવ લેવાનો ચાર્જ આપવો જ પડશે. તમારા બાળકને સંજવારી કાઢતા કે પોતું કરતા નથી શીખવવું અથવા નાનપ અનુભવવી છે તો તેમની સફાઈના પૈસા પણ તમારે ચુકવવા પડશે જ. બગીચામાં પાણી પાવા કે બે ચાર રોપાં વાવવા ગારાવાળા હાથ નથી થવા દેવા તો તેનો પણ ચાર્જ ચુકવવો પડશે. મધ્યાહન ભોજનની ખીચડી તમારાં છોકરાંને નહીં ભાવે તો કેન્ટીનનું બીલ ભરવું પડે. એકાદ કિમી તમારું છોકરું નથી ચાલી શકતું તો વાહન ભાડું ચુકવો. રુપિયાના જોરે શિક્ષકો અને શાળાને ખરીદી શકતા હોય તેવા અહોભાવથી રોફ જમાવનાર મા-બાપ એમના બાળકો પાસે વડીલો પ્રત્યે આદર અને વિનમ્રતાની અપેક્ષા રાખવી અસ્થાને છે. આ આખી પ્રક્રિયામાંથી પસાર થયેલ બાળકને આત્મનિર્ભર બનાવવું શકય બનશે ખરુ?

આજના સમયમાં શિક્ષણ એટલે શું? બસ બે ચાર અંગ્રેજીના વાકયો ફાડે. બે ત્રણ ઈંગ્લીશની પોએમ બોલે! યાદ શકિત અને જ્ઞાન બે વચ્ચે ભેદ ખબર નથી રહયો. અરે  જેમને અંગ્રેજીના બે વાકય નથી આવડતાં એ પદમશ્રી ભીખુદાનભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની છ જણાંની સમિતીમાં હતા. બારમા ધોરણના પરિણામના બીજા દિવસે આપણે છાપાં વાંચીએ જ છીએ. એક રીક્ષાવાળાનો છોકરો બોર્ડમાં ત્રીજો. ઘરકામ કરતી વિધવાનો દીકરો બોર્ડમાં બીજા ક્રમે ઉતિર્ણ, ડ્રાઈવરની દીકરી ટોપટેનમાં, ખેતી કામની સાથે સાથે ખેડુત પુત્રએ મેળવ્યુ બોર્ડમાં ચોથું સ્થાન, સામાન્યત: માતા-પિતાને બાળકના શિક્ષણ કરતા પોતાનું સ્ટેટસ અને પોતાના અધુરા સપના હધારે અગત્યના હોય છે. ખાસ વર્તમાન સમયમાં મારો દિકરો અને રાયદે રિક્ષાવાળાનો દિકરો એક શાળામાં કેવી રીતે ભણે? અમારા પૈસાદારના બાળકો મોંઘી શાળામાં જાય એ માનસિકતાએ શિક્ષણમાં વ્યાપાર પેદા કર્યો. અને સરકારે પણ હવે આ ખુલ્લા વ્યાપાર પર ટેક્ષ નાખી અને વ્યાપારની વ્યાખ્યામાં સમાવી લેવો જોઈએ. ટેક્ષની આવક થાય.

અત્યારના મા-બાપ બાળકને એક પણ સંઘર્ષ કરવો પડે એ પરિસ્થિતિ સર્જાવા જ નથી દેતાં. જો સો શિક્ષિત અને સો અભણ મા-બાપનો સર્વે કરવામાં આવે તો અભણ મા-બાપના બાળકોની સફળતાનો રેસીયો ઉચો મળશે. કારણ શિક્ષિત માણસો બાળકને શું ભણવું શું ન ભણવું બાળકના બદલે પોતે નકકી કરે છે.

શિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં! ખાલી પૈસાથી ચાલતું હોય તો સુશાંત રાજપુત વરસે એકસો સાઈઠ કરોડ કમાતો હતો. તમારુ બાળક બીજા બાળક કરતા બે માર્ક ઓછા આવતાં ડીપ્રેશનમાં આવે છે તો સમજો આપણે શિક્ષણ અપવામાં સરેઆમ નિષ્ફળ છીએ. શિક્ષણ સફળતાને પચાવતાં અને નિષ્ફળતાને સહન કરતાં શીખવે છે. એ ત્યારે જ શકય બનશે જયારે એક લાદીના કારખાનાવાળાના દિકરાના લંચબોક્ષમાંથી મજુરનો છોકરો પાસ્તા ખાતો હોય. મજુરના છોકરાની કોથળીમાંથી કારખાનાવાળાનો છોકરો બે ચાર રાવણાં ખાતો હોય. દરેક પરિસ્થિતિમાં કેમ ટકી રહેવું એ એક બીજા ભિન્નતા ધરાવતા વિદ્યાર્થી સાથે ભણતા હોય ત્યારે જ શીખવા મળે. નહી કે એક જ સરખી કેડરના વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાથી. ટકા આવવા જરુરી છે પણ બીજા બાળક સાથે હરીફાઈમાં ઉતારવાની જરુર નથી. નવ્વાણું ટકા લાવનારને મહેમાન સાથે બેસી બે વાતો નથી આવડતી. દસ બારમાં નિષ્ફળ ગયેલા અને ડોકટર નથી બન્યાએ અત્યારે કલાસ વન ટુ અધિકારીઓ બની ગયા છે અને આ નવ્વાણું ટકા વાળાના દવાખાના પર રેઈડ પાડી શકે છે.

ખાનગી શાળામાં આપણે જેટલા રુપિયા ભરીએ છીએ અને જેટલો સમય આપીએ છીએ એનાથી અડધા રુપિયા અને અડધો સમય આપણાં ગામની શાળામાં આપીએ તો, આપણાં બાળકો તો ભણશે પણ આપણાં ગામના ગરીબ બાળકો પણ ભણી શકશે. પણ જો એ ઈર્ષાથી જ ખાનગીમાં ભણાવતા હોય તો અલગ વાત છે.

એક જાગૃત નાગરિક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments