Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઈમરજન્સી ! કેટલાક લોકોને આ શબ્દ સમજવામાં તકલીફ પડે છે. ~ડૉ. નિમિત્ત...

ઈમરજન્સી ! કેટલાક લોકોને આ શબ્દ સમજવામાં તકલીફ પડે છે. ~ડૉ. નિમિત્ત ઓઝા

ઈમરજન્સી ! કેટલાક લોકોને આ શબ્દ સમજવામાં તકલીફ પડે છે. ઈમરજન્સી એટલે કટોકટી. ઈમરજન્સી એટલે ગંભીર, અનપેક્ષિત અને ભયજનક પરીસ્થિતિ જેમાં તાત્કાલિક પગલા લેવા પડે અને એ ન લેવાય તો વ્યક્તિનો જીવ જઈ શકે. ઈમરજન્સીની આ જ વ્યાખ્યા મેડિકલ સાયન્સમાં પણ લાગુ પડે છે.

આ ‘મેડિકલ ઈમરજન્સી’ શબ્દ સમજાવવાની જરૂર એટલા માટે ઉભી થઈ કારણકે છેલ્લા કેટલાક દિવસોથી પ્રાઈવેટ પ્રેક્ટીશનર્સની હોસ્પિટલ્સ, રૂટીન ઓપીડી, રૂટીન સર્જરીઝ બંધ થવાને કારણે કેટલાક ‘એન્ટી-ડોક્ટર્સ’ આલમમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે. એવા સમયમાં જ્યારે તબીબોને સહકાર અને સપોર્ટની મેક્સીમમ જરૂરિયાત છે, એવા સમયે તેઓ પોતાની કલમ, કેમેરા અને સોશિયલ મીડિયા દ્વારા ‘રૂટીન ઓપીડી’ અને ‘ઈલેક્ટીવ કે પ્લાન્ડ સર્જરીઝ’ બંધ કરવાના ‘ઈન્ડીયન મેડિકલ એસોસિએશન’ના (ખાલી કોઈ એક ડોક્ટરના નહીં) નિર્ણયને વખોડીને પોતાનો ટાઈમ-પાસ કરી રહ્યા છે.

નો વન્ડર્સ, કાં તો એમની પાસે કોરોના સિવાયના બીજા કોઈ ન્યુઝ નથી અથવા તો કોરોના સમાચારથી તેઓ હવે કંટાળી ગયા છે. એની વે, આ દર્શાવે છે આવા ‘ઈમરજન્સી’ના સમયે સામાન્ય લોકોને તબીબો વિરુદ્ધ ભડકાવીને તેઓ ફક્ત પોતાની સમજણનો જ નહીં, પોતાની બુદ્ધિનો પણ ‘જાહેર પરિચય’ આપી રહ્યા છે.

આ પોસ્ટ જાહેર જનતાની જાણ માટે છે કે ‘ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ’ સંપૂર્ણપણે, સદંતર, શાશ્વત રીતે, અવિરતપણે અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ એક ડોક્ટર તરીકે હું નથી ઈચ્છતો કે આવા સમયે તમને કોઈપણ મેડીકલ હેલ્પની જરૂર પડે. તેમ છતાં ઈમરજન્સી મેડિકલ કંડીશન્સનું એક નાનું એવું લીસ્ટ અહિયાં મૂકું છું. જેથી લોકોને ખ્યાલ રહે કે ‘ઈમરજન્સી’ કોને કહેવાય.

-રોડ એક્સીડન્ટસ (જે વાહન વ્યવહાર નહીવત હોવાને કારણે ઓછા થઈ ગયા છે.)
-છાતીમાં દુઃખાવો (હાર્ટ એટેક કે એન્જિના) (જેની સારવાર લોકડાઉન હોય કે ન હોય, તમને તાત્કાલિક મળવાની જ છે.)
-સ્ટ્રોક કે પેરાલિસીસ
-બર્ન્સ
-શરીરના કોઈપણ ભાગમાંથી થતો અપ્રાકૃતિક રક્તસ્ત્રાવ (Unusual bleeding)
-શ્વાસ લેવામાં તકલીફ પડવી
-શરીરના કોઈપણ ભાગમાં થનારો અસહ્ય દુઃખાવો
-એપીલેપ્સી (વાઈ-ખેંચ)
-સ્યુસાઈડલ આઈડીયાઝ કે ટેન્ડન્સી
-અચાનક કોઈનું કોલેપ્સ થઈને પડી જવું કે બેભાન થઈ જવું
-ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડવી એ ત્રણેય લક્ષણો એક સાથે (ખાસ કરીને વર્તમાન સંજોગોમાં)
-ઈલેક્ટ્રીક શોક
-કોઈ ઇન્સેક્ટ બાઈટ જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા કોઈપણ એનીમલ બાઈટ
-ચોકિંગ (શ્વાસ નળીમાં કોઈ ફોરેન-બોડીનું અટકાઈ જવું.)
-આંખ, કાન કે અન્ય કોઈ ભાગમાં થનારી ઈજા જે થયા પછી દેખીતી રીતે એ અંગનું કાર્ય બંધ પડી જાય.
આ સિવાય બીજી ‘રેર’ ઈમરજન્સીઝનો ઉલ્લેખ નથી કરતો.

પણ આ સિવાયની સેવાઓ બંધ કરવા પાછળનો હેતુ એ છે કે ‘આ એવો સમય છે જ્યારે સામાન્ય તકલીફો માટે ડોક્ટરની મુલાકાત ન લઈને તમે વધારે સ્વસ્થ રહી શકો છો.’

તમારી કેટલીક તકલીફો એવી હશે, જે ઘરે રહીને આપમેળે સોલ્વ થઈ જશે અથવા કેટલીક તકલીફો એવી હશે, જે ઘરે સતત રહેવાને કારણે ઉદભવેલી હશે. ઈન બોથ ધ કેસીસ, ડોક્ટરની ‘રૂટીન’ મુલાકાત બિનજરૂરી છે. એટલું જ નહીં, એ તકલીફો કાઢવા જતા એવી પૂરી શક્યતા છે કે તમારા ઘરમાં કોઈ મોટી તકલીફ ઘૂંસી જાય, જે ફક્ત તમને જ નહીં તમારી આસપાસના લોકોને પણ હેરાન કરી મૂકે.

ડોક્ટરો અનેક અલગ અલગ પ્રકારના દર્દીઓને તપાસતા હોય છે. અનેક વિચિત્ર અને ગંભીર જીવાણુઓથી એક્સપોઝ થતા હોય છે. અને ખાસ કરીને કોરોનાના સમયમાં ડોક્ટર જો રૂટીન પ્રેક્ટીસ ચાલુ રાખે, તો એવી પૂરી શક્યતા છે કે ‘એ કોરોના કેરિયર તરીકે એક્ટ કરે’ અને પોતાની સામાન્ય તકલીફો માટે આવેલા દર્દીઓને ભેંટમાં કોરોના આપે. ડોક્ટર ગમે તેટલા પ્રિકોશન્સ રાખે તેમ છતાં ક્લીનીકના વેઈટીંગ રૂમમાં એક દર્દીનું બીજા દર્દી સાથે થનારું એન્કાઉન્ટર, હોસ્પિટલની અનેક સપાટીઓ પર પનાહ લઈને ઉછરી રહેલા કોરોના કોઈને કોઈ રીતે તમારા ઘર સુધી પહોંચી જાય. જે અમે નથી ઈચ્છતા.

જે તબીબો એચ.આઈ.વી કે HBV જેવા વાઈરસની પરવા કર્યા વગર એ વાઈરસથી સંક્રમિત હોય એવા દર્દીઓના ઓપરેશન કરતા હોય, એમના લોહીના સંપર્કમાં આવતા હોય, એ તબીબો કોરોના વાઈરસથી ડરીને ઓપીડી કે સર્જરી બંધ કરી દે, એ અણસમજુ અને દયનીય માનસિકતા ધરાવતા લોકોની ગેરમાન્યતા છે.

જિંદગીના પંદરથી વીસ વર્ષો અમે ફક્ત અને ફક્ત દર્દીઓ માટે જ ભણ્યા અને તાલીમ પામ્યા છીએ. અનેક ડોક્ટરોએ ઓનલાઈન કન્સલ્ટેશન પણ શરૂ કરી દીધું છે, જેથી તમને ઓનલાઈન માર્ગદર્શન મળી શકે. પણ પ્લીઝ, આ વચેટીયા વિઘ્ન-સંતોષી અને નવરાધૂપ લોકોની વાતો પાછળ તમે તમારી મર્યાદિત ઉર્જાનો જથ્થો વ્યય ન કરો, એવી મારી નમ્ર અપીલ છે.
-ડૉ. નિમિત્ત ઓઝા (આપણે ગ્લોબલ સિટીઝન્સ છીએ. કોરોનાએ આપણને એક થવાનો ચાન્સ આપ્યો છે. આ સંજોગોમાં એકબીજાની સામે આંગળીઓ ચીંધવા કરતા, સકારાત્મક વિચારોના સેનિટાઈઝરથી હાથ ધોઈને મુઠ્ઠીઓ વાળી એકતા બતાવવાનો સમય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments