Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષકૌટુંબિકટિફિન બોક્સ ~નિયતિ કાપડિયા

ટિફિન બોક્સ ~નિયતિ કાપડિયા

કેટલીક વાત એવી હોય કે આપણને અડીને જાય, આપણાં સોંસરવી ઉતરી જાય! આજે મેં એક ફિલ્મ જોઈ, “સ્ટેન્લી કા ડીબ્બા”, મને બહુ જ ગમી. એનો એક એક સીન જોઈને મને એ બાળકમાં ક્યાંક હું પોતે દેખાઈ…

જ્યારે હું સ્કૂલમાં ભણતી ત્યારે મારા ટિફિન બોક્સમાં હંમેશા સેવમમરા, ચવાણું, મગની દાળ કે ખાખરા જેવો કોરો નાસ્તો જ રહેતો. મારા મિત્રો ઢોકળાં, પરોઠા કે બટેટા પૌંઆ વગેરે લાવ્યા હોય તો એ લોકો મારી સાથે એમનું ટિફિન બદલી લેતા. એમને મન મમ્મીના હાથનો નાસ્તો એટલો ટેસ્ટી ન હતો જેટલો મારો બહારથી લાવેલો રેડીમેડ નાસ્તો! હું એમની મમ્મીનાં હાથનું બહુ જ ખુશ થઈને ખાતી કેમ કે મારે તો મમ્મી જ નહતી!

ઘરમાં મમ્મી સિવાયના બીજા બધા માણસો હતા અને એ લોકો જમવાનું સરસ બનાવી લેતા પણ સવારે બાળકને નાસ્તામાં શું આપી શકાય એની એમને વધારે ખબર નહતી, જનરેશન ગેપ.. અને સૌથી મોટો વાંક મારો કે હું એમને એ ક્યારેય જણાવી ના શકી. સવાલ ફક્ત નાસ્તાનો નહતો પણ, “મારી મમ્મીએ આ બનાવ્યું”, એનો હતો, મમ્મી સિવાય કોઈ બીજી વ્યક્તિ નાસ્તો બનાવીને આપે એ સ્વીકારવા મારું મન તૈયાર નહતું. હું રોજ સવારે મારું ટિફિન જાતે જ ભરીને લઇ જતી. ઘણીવાર બિસ્કીટ કે ચોકલેટ પણ ભરીને લઈ જતી. પપ્પાને એમ કે મને એવું બધું ભાવે છે એટલે હું લઈ જાઉં છું અને એ અવનવી વાનગી, પેકેટમાં ભરેલી બજારમાં મળતી હોય એવી નવી નવી વાનગી લઈ આવતાં. હું એ ટિફિન મારા મિત્રો સાથે વહેંચીને એમનો નાસ્તો ખાતી…

આવું તો છેક કોલેજ સુંધી ચાલેલું. સ્કૂલમાંથી તો બાર વાગે છૂટી જતા એટલે વાંધો નહતો આવતો પણ કોલેજમાં સવારે સાડા સાતથી લઈને બપોરના બે ત્રણ વાગ્યા સુધી રોકવું પડતું. બધા જૂના મિત્રો બદલાઈ ગયેલા. નવા ચહેરામાં કોઈ પોતીકું નહતું લાગતું. ત્યાં બધા લોકો ફરજિયાત શાક/રોટલી/ થેપલા વગેરે જેવી વાનગી ભરીને ટિફિન લાવતાં. મારી એક ખાસ સખી બનેલી, અલ્પા જે રોજ મને એની મમ્મી વિશે વાતો કહેતી. આજે મમ્મીએ મને માથું ધોવામાં મદદ કરી, આજે સવારે વહેલા ઊઠીને મમ્મીએ મારા માટે દાળવડા બનાવ્યા, જોને મારી મમ્મી રોજ રોજ થેપલા અને અથાણું/ છૂંદો જ ભરી આપે છે. એના મમ્મી ડૉકટર હતા અને મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા મને થતું અલ્પા કેટલી લકી છે, એની પાસે મમ્મી છે…અને એ આટલી વ્યસ્ત હોવા છતાં અલ્પાની નાની નાની જરૂરિયાતનું કેટલું ધ્યાન રાખે છે. મને મારી મમ્મી વધારે યાદ આવી જતી. મેં ટિફિન લઈ જવાનું બંધ કર્યું. ભૂખ જ નહતી લાગતી. કંઇક મીસિંગ હતું, શું..? એ ત્યારે ખબર નહતી પડતી. પપ્પા કહેતા, “બેટા રીસેસમાં ઘરે આવીને જમીને જા, કૉલેજથી પાંચ મિનિટના અંતરે તો છે ઘર!”

હું ઘરે પણ નહતી જતી. મારે જમવું જ નહતું. ભૂખ જ નહતી. કારણ યાદ કરતા આજે હસવું આવે છે… હા તમે સાચું અનુમાન કરી રહ્યા છો! હું પ્રેમમાં પડેલી! મમ્મીને યાદ કરતાં કરતાં હવે હું પોતે જ્યારે મમ્મી બનીશ ત્યારે મારા બચ્ચાઓને કેવી રીતે સાચવીશ એ વિચારવા લાગેલી. મમ્મી બનવા માટે પરણવું પડે અને એ માટે કોઈ છોકરો શોધવો પડે! મને એક મળી ગયેલો…😀

બોલવાનું કે સામેવાળાને મનની વાત કહેવાનું હું શીખી જ નહતી, હાલ પણ મને નથી આવડતું અને એટલે જ આટલું લાંબુ લાંબુ લખું છું! એને પણ ના કહી શકી. કૉલેજ પૂરી થઈ ઢગલો યાદો દિલના એક ખૂણે સંગ્રહી હું ઘરે પાછી આવેલી અને મારા જીવનમાં એક નવા યુવકનો પ્રવેશ થયો, લાગ્યું કે જાણે આ એ જ છે જેની સાથે મારે મારી બાકીનું જીવન વિતાવવાનું છે. મેં એની સાથે લગ્ન કર્યા. દોઢ વરસ બાદ એક બાળકીને જન્મ આપ્યો અને માનો હું આખી બદલાઈ ગઈ…

જે જે સપના મારી મમ્મી હોત તો હું કરત એમ વિચારીને જોયેલા એ બધા મારી દીકરી સાથે પુરા કર્યા! ફરીથી હું મા બની અને એક છોકરાને જનમ આપ્યો. જિંદગી ગુલઝાર થઈ ગઈ..! આજે હું મારું બાળપણ ફરીથી જીવી રહી છું, મારા બાળકોને સંગ..!

એક મજાની વાત એ છે કે મારા બંને બચ્ચાઓનું ટિફિન એમના ક્લાસમાં વખણાય છે! દાળવડા અને હાંડવો તો મારે ડબલ કવોન્ટિટીમાં મોકલવો પડે… એમનાં મિત્રોને એ ભાવે છે એટલે. મને થાય જિંદગીનું એક ચક્ર ફરી પાછું ત્યાંનું ત્યાં આવીને ફરી રહ્યું છે. આજે મારા નહિ તો મારા બાળકોના મિત્રોને હું મમ્મીનાં હાથનું ટેસ્ટી ખાવાનું જાતે બનાવીને ખવડાવું છું!

આ પોસ્ટ વાંચનાર દરેક મિત્રને હું કહીશ કે તમારી મમ્મી જે પણ બનાવીને આપે એને વખાણ કરી કરીને ખાજો…અને જે ટિફિન ના લાવ્યા હોય એવા મિત્રો સાથે એ શેર પણ જરૂરથી કરજો..શી ખબર ક્યાંક કોઈ મારા જેવું પણ હોય… જેને ફક્ત મમ્મીનાં હાથનું ખાવાનું ખાવું હોય!
©Niyati Kapadia.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments