Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઅભિપ્રાયજો તમે સારા માણસ હો તો આ તમારા માટે છે. બધું વાંચજો ~જીતેશ...

જો તમે સારા માણસ હો તો આ તમારા માટે છે. બધું વાંચજો ~જીતેશ દોંગા

આ જગતને જેટલી પીડા ખરાબ માણસના કર્મોથી નથી થતી એથી વધુ પીડા સારા માણસની ચુપકીદીથી થાય છે.

ચુપચાપ બધું જોયા કરશો તો કોરોના ક્યારે ઘરે-ઘરે પહોંચી જશે એ ખબર નહીં રહે.
જો તમે સારા માણસ હો તો આ તમારા માટે છે. બધું વાંચજો 🙂

…ગુસ્સો તો એવો આવે છે કે કોરોના બાબતે સમાજમાં બેજવાબદાર, અબુધ, જડસુ અને તદ્દન મગજ વગર વાતો-વર્તન કરનારી આપણી પ્રજાને પકડી-પકડીને એવી કાળ-કોટડીઓમાં નાખું કે જેમાંથી જ્યાં સુધી આ વાઈરસ આખી દુનિયામાંથી ન જાય ત્યાં સુધી બહાર ન કાઢું. (આમ તો ક્યારેય બહાર જ ન કાઢું)

આમને વાંદરાઓની જાત કહીએ તો વાંદરાઓનું અપમાન લાગે એવી નફ્ફટ પ્રજા છે આપણી! એક તરફ કરોડો મૂંગા-ભોળા-સમજેલા નાગરિકો ઘરમાં ભરાઈને સમાજને સારું ઉદાહરણ પૂરું પાડે છે અને બીજી તરફ હજારો અક્કલમઠ્ઠાઓ રસ્તે રખડવા નીકળી પડે છે. ટોળે મળીને રાસડા લે છે! વોટ્સએપમાં ગમે તેવા નબળાં ન્યુઝ ફેલાવે છે. મારા એક સગાએ હવન આદર્યું છે. બીજાએ રેલી કાઢી છે. ત્રીજાએ પુજારીઓની ટોળી ભેગી કરીને થાળીઓ વગાડી!

મને ઘણાં સમજેલા માણસો કહેતા હોય છે કે કોરોનાની ચેતવણીઓ આપી-આપીને હું બધાને ડરાવ્યા કરું છું. તો આવા સડેલાં ભૂંડને પંપાળીને સમજાવવાના? આવા ગાજરને કોરોનાનો ડર પણ નથી લાગતો. કહે છે – ‘ફ્લુ છે! અમે આવા ખુબ જોયા! ગરમ પાણી પીવો જતો રહેશે!’

પણ…પણ…પણ…

આ જગતને જેટલી પીડા ખરાબ માણસના કર્મોથી નથી થતી એટલી પીડા સારા માણસની ચુપકીદીથી થાય છે.

ચુપચાપ બધું જોયા કરશો તો કોરોના ક્યારે ઘરે-ઘરે પહોંચી જશે એ ખબર નહીં રહે. સારા માણસ વધું મરશે. આમેય મૂરખના ટોળા આખા વિશ્વમાં છે. દરેક દેશમાં એક ટકા પ્રજા આવી હોય જ છે. (આપણા દેશમાં 140 કરોડમાંથી એક ટકા એટલે દોઢ કરોડ જેવા થયા!) મારું-તમારું મિશન હોવું જોઈએ કે આ દોઢ કરોડ ભૂંડને સીધા કરવા.

જે કોઈ પણ આ વાંચી રહ્યું છે. ધ્યાનથી વાંચજો. અનુસરજો. સારા માણસ હો તો આ સમય છે તમે સમાજને સાચી માહિતીઓથી જાગતો રાખો. (જો મૂંગામંતર બેઠા રહેવું હોય તો પછી તમને જગતના નબળાં પાસાની ફરિયાદ કરવાનો તમને અધિકાર નથી)

નીચેની બાબતો આજથી જ ધ્યાનમાં લેજો:

1) ખાસ: ખોટી માહિતી ફેલાવનારા ખુબ બધા છે. વોટ્સએપ યુનિવર્સીટીના વિધાર્થીઓ ખાસ. તમારા વોટ્સએપમાં જેટલી માહિતીઓ આવે છે એમાંથી ૮૦% કચરો હોય છે. એને ફેક્ટ-ચેક કરીને જુઓ, અને તરત જ ખોટી માહિતી ડીલીટ કરવા કહો. (ફેક્ટ ચેક માટે આ લેખ નીચે ઘણી ભરોસાપાત્ર લીંક આપેલી છે). કોઈ વધું પડતું બાફતું હોય તો શરમ રાખ્યાં વિના ઉતારી પાડો.ખોટું ફેલાવનારને ખબર પણ નથી હોતી કે એ ખોટું છે અને આવા માણસો દસ ગણું શેર કરે. આ સમયમાં શરમમાં રહેશો તો ખોટી માહિતી માણસોના જીવ લઇ શકે.

ફેસબુક અને ટ્વીટરમાં તો રીપોર્ટ ઓપ્શન જ વાપરો. બંને પ્લેટફોર્મ અત્યારે ખુબ જ સાવધાન છે. હટાવી લેશે. પોસ્ટની કમેન્ટમાં જ ખંખેરી સાચો સોર્સ બતાવીને એમને સાચા રસ્તે વાળો)

અત્યારે તકનો લાભ લઈને રાજકીય માણસો પણ ખુબ અફવાઓ ફેલાવશે એનું ધ્યાન રહે.

2) Self quarantine (જાતે સ્વયં-શિસ્તથી એકલાં-અલગ રહેવું) અને Social Distancing (સામાજીક દૂરી) અતિશય મહત્વના છે. ખાસ જ્યારે અત્યારે આપણે સૌ ઘરે છીએ ત્યારે પ્લીઝ તમારા દાદા-દાદી, માબાપ, વડીલો, દરેક પ્રૌઢ-વૃદ્ધ માણસને ફોન કરીને કોરોના વિષે ઊંડાણમાં સમજાવો. તેઓ હંમેશા તમને ફોન કરતા હોય છે. હવે આપણો વારો છે કે એમને રોજે ફોન કરીએ. છતાં, વડીલોમાં બે પ્રકાર હોય છે:

૧. જડભરત. જાડી બુદ્ધિ. વાયડા. મને બધું આવડે છે. તમે ભણેલા મૂંગા મરો વાળી હવા કરનારા. (આ બધાને જેટલાં ડરાવી શકો એટલાં ડરાવીને પણ સમજાવવા ખરા. એ નહીં માને, પણ હારવું નહીં. બીજા દેશોના આંકડા બતાવો. Data is new God. કહો કે એપીસેન્ટર હવે ભારત તરફ આવી રહ્યું છે) વળી આ પ્રજાતિ જ ખોટા મેસેજ/વિડીયોને વોટ્સએપમાં ખુબ રખડાવે છે. આમને ખાસ રોકવા.

૨. શાંત, સમજુ વડીલો જેમને હકીકતમાં કોરોનાની સાચી માહિતી જ નથી. (આ બધાને ખુબ ધીરજ રાખીને બધું શીરાની જેમ ગળે ઉતારવા મદદ કરો)

(જોકે ખાલી વડીલો નહીં, દરેક માણસ આવા બે પ્રકારના હોય છે 😉 )

3) તમે ધારો કે કોરોનાની પૂરી જાણકારી ન રાખતા હો તો તમારા સર્કલમાં જે સૌથી સમજું માણસ છે એની સાથે ટચમાં રહો. એ ખોટી માહિતી ‘ઓછી’ આપશે. Be in touch with smartest and wisest person you know and stay updated.

4) મૂળભૂત અમુક વાતો જ દરેકને ગળે ઉતારવાની છે :

ઘરની બહાર નીકળવું જ નહીં. નીકળો તો એકલાં જ. માસ્ક પહેરીને. દરેક માણસથી દસ ફૂટ દૂરી રાખો (દસ ફૂટ કહેશો ત્યારે એક બે ફૂટ દૂર રહેશે). છીંક-ખાસી આવે તો પોતાના કપડાં કે રૂમાલ પર ખાવી. કોઈ ખાતું હોય તો દૂર ભાગવું
તરત ઘરે પરત ફરો. કશું સ્પર્શ ન કરો. ચહેરા ને નહીં. કોઈ માણસને પણ નહીં. સીધા જ હાથ ધોવા જાઓ. કોણી સુધીનો હાથ વીસ સેકન્ડ સુધી સાબુથી સાબ કરો (એ વીસ સેકન્ડ પાછો નળ બંધ કરજો). ઘરના બારણાં, સ્ટોપર, નળ, ટૂવાલ બધું ઘસીને સાફ કરતું રહેવું. મોબાઈલ કોઈના હાથમાં દીધાં ન કરવા.
રોગના લક્ષણ : કોરી ખાંસી, તાવ, થાક, હાંફ, શ્વાસની તકલીફ. આવું કશું જ દેખાય એટલે ખુદને રૂમમાં લોક કરીને સૌને કહી દેવું કે હેલ્પલાઈન નંબરને ફોન કરી દે. બીજું કશું જ નહીં. આખા દેશમાં અક્કલ વિનાનાં કેટલાયે પોઝીટીવ કેસ ચારેબાજુ ભાગે છે! તમને જે આંકડા દેખાય છે એનાં કરતાં બે-ત્રણ ગણા માણસો પોઝીટીવ હશે અને સામે આવતાં નથી. (આ બધાથી બચવું હોય તો ઘરમાં જ રહેવું)
ગભરાવું નહીં. કોરોનામાં દરેક માણસ મરતું નથી. જે સામું ન આવે એ પહેલાં મરશે કારણકે અને જેનાં શરીરમાં કોરોના ભરડો લઇ ગયો હોય એ બધાને તો ગોદડું ઓઢીને સુઈ જ જવાનું છે. દેશમાં સ્થિતિ બગડી એટલે ટેસ્ટીંગ-કીટ, હોસ્પિટલના બેડ, સ્મશાન બધાની ખુબ મોટી તંગી આવશે. (આ અતિશયોક્તિ નથી. ઇટાલી-યુરોપ સામે જુઓ). વહેલાં ટેસ્ટ થઇ ગયા તો ડોક્ટર બચાવી લેશે. મોડા ગયા તો ડોક્ટરને આમેય પેન્ડિંગ કેસની લાઈનો હશે.
5) ઘરે રહીને ખુબ શીખવાનું છે. રસોઈ શીખો. પરિવારને અને ખુદને પ્રેમ કરતા શીખો. સૌને અને પોતાને બેઝીક કસરતો શીખવો. શક્ય હોય તો એક કલાક સાવ એકાંતમાં ચુપચાપ બેસીને કશું જ ન વિચારો. દીવસના અમુક કલાકો મોબાઈલથી સાવ દૂર રહો. યોગા શીખો. બાળક સાથે બાળક બનતા શીખો. બાળકોને શાળામાં રજા છે એટલાં દિવસ ઘરે રોજે મજાની વાર્તાઓ કહો. એમને ઈમેજીનેશનની દુનિયાની સફર કરાવો. (અને પુરુષો ખાસ ‘Thappad’ જેવી ફિલ્મ જુઓ જેથી આ નવરાશના સમયમાં ખુદના ઈગોને એનેલાઈઝ કરતાં આવડે.

6) આ લોકડાઉન લાંબુ ચાલશે. આ સમયમાં નાનકડાં વેપાર-ધંધાને ખુબ મોટી-ઊંડી અસર થવાની છે. પરોપજીવી માણસ જેવા કે તમારા ઘરના કામવાળા, નાની દુકાનોવાળા, ડ્રાઈવર, રેકડી-ફેરીયાં, કારખાનાંના મજૂર વગેરે. નાનકડી નોકરી-ધંધા જેના બંધ થાય છે એ સૌને જો શક્ય હોય તો આ મહિનાની સેલેરી અગાઉથી આપજો. રજા હોય તો પણ સેલેરી આપજો. શક્ય હોય તો પૈસેટકે મદદ ખાસ કરજો.

વ્હાલા…તમારી પાસે વધારાના સેનેટાઇઝર અને માસ્ક પડ્યા હોય તો જરૂરિયાતમંદ માણસને ખાસ આપજો. કશું જ વધારાનું ન હોય અને ના પાડવી પડે એમ હોય તો એક મુસ્કાન સાથે ના પાડજો. ભીખારીઓને ધુત્કારો છો એમ નહીં. માફી માગીને મુસ્કાન સાથે ના. આવા પેન્ડેમીકના સમયમાં દરેક માણસ માનસિક રીતે તૂટેલું હોય છે. ધુત્કારવા નહીં.

અહીં નીચે ખુબ-ખુબ-ખુબ-ખુબ મહત્વના અને સાચા અને સચોટ એવા માહિતીના સોર્સ આપ્યા છે. આ સોર્સ કે આ પોસ્ટ કોપી કરીને પણ કોઈને આપી શકો તો પ્લીઝ આપજો. તમારા સર્કલમાં મૂર્ખાઓને ખાસ આપજો:

કોરોનાની સચોટ માહિતી માટે:

૧) WHO ની ગ્લોબલ વેબસાઈટ. જેમાં દરેક ઝીણી માહિતી આપેલ છે. અફવાઓ તોડેલી છે : https://www.who.int/…/novel-coronavirus-2…/advice-for-public

૨) ભારતના આરોગ્ય વિભાગની ખુબ સારી વેબસાઈટ – https://www.mohfw.gov.in/

૩) બધી જ માહિતીનું ખુબ સારું વિશ્લેષણ અને સૌથી વધુ ભરોસાપાત્ર – https://www.cdc.gov/

૪) ઉપરની લીંકની જેમ જ છે, છતાં વધુ ઊંડાણમાં – https://www.coronavirus.gov/

૫) ગુગલના ૧૭૦૦ એન્જીનીયરે ભેગા થઈને બનાવેલી વેબસાઈટ : https://www.google.com/covid19/

૬) કોરોનાના વૈશ્વિક સચોટ આંકડા માટે: https://www.worldometers.info/coronavirus/

૭) બીલ ગેટ્સનો બ્લોગ ખુબ જ ઉપયોગી છે: https://www.gatesnotes.com/Health/How-to-respond-to-COVID-19

૮) Reddit.com ની ગ્લોબલ કોમ્યુનીટી – https://www.reddit.com/r/COVID19/

૯) આ એક જ વિડીયો આખું સાયન્સ સમજાવી દેશે : https://www.youtube.com/watch?v=BtN-goy9VOY

ભારતમાં કોરોનાને લગતા ન્યુઝ વાંચવા માટે:

૧) https://www.thehindu.com/

2) https://scroll.in/

3) https://twitter.com/airnewsalerts

4) https://www.telegraphindia.com/

એક પણ ગજરાતી છાપું સાચા-સરખાં ન્યુઝ નથી આપતું. બધું તોડીમરોડીને લખ્યાં કરે છે. એનાં કરતા Indian express, News laundry વગેરે જોઈ શકાય.

જો ગ્લોબલ ન્યુઝ વાંચવા હોય તો નીચેના બંને બેસ્ટ છે જ:

૧) https://www.washingtonpost.com/

૨) https://www.nytimes.com/

આગળની જવાબદારી તમે લેજો દોસ્ત. થોડા સમય અને શક્તિ જશે પરંતુ દુનિયાને વધુ સારી બનાવવા માટે ચુપ રહેનારાઓ કરતાં બોલનારાઓની જરૂર છે. 🙂

Courtesy :- Jitesh Donga

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments