Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઅભિપ્રાયકાલના ભવિષ્ય માટે આજનો સળગતો સવાલ: જાતિ આધારીત અનામત રાખવી જોઈએ કે...

કાલના ભવિષ્ય માટે આજનો સળગતો સવાલ: જાતિ આધારીત અનામત રાખવી જોઈએ કે નહીં ?

આ પોસ્ટ કિરણ ત્રિવેદી અને નેલ્સન પરમારની પોસ્ટ્સ તથા તેમાં કરવામાં આવેલી કૉમેન્ટ્સ વાંચ્યા પછી લખી છે.

પહેલા તો મેં આખી પોસ્ટ જાતિ આધારિત અનામત રદ્દ કરવાના સમર્થનમાં લખી નાખેલી પરંતુ અમુક પરિસ્થિતિઓ જોતા એવું લાગે છે કે જાતિ આધારિત અનામત “કદાચ” રાખી શકાય અને આખી પોસ્ટ ફરી લખી છે.

સમાજમાં સમાનતા લાવવા માટે જાતિ આધારિત અનામત/આરક્ષણ રાખવામાં આવ્યું છે. ગામડા અને નાના શહેરોમાં હજી ભેદભાવ ઘણો છે. ત્યાં કદાચ જાતિ આધારિત અનામત રાખી શકાય.

કેટલાક મંતવ્યો છે:
1.1. શાળામાં અનામત ફક્ત આર્થિક પછાત પરિવારના વિદ્યાર્થીઓને જ આપવામાં આવે. આર્થિક પછાતપણાની વ્યાખ્યા નક્કી કરવામાં આવે જે દરેક વર્ગોને સમાન લાગુ પડે પરંતુ ગામડાં, નગર પાલિકા અને મહાનગર પાલિકા પ્રમાણે અલગ અલગ સ્તર નક્કી કરવામાં આવે. (OBC / EWS માટે આર્થિક પછાતપણાની વ્યાખ્યા નક્કી કરેલી છે.) આર્થિક પછાતને જ અનામત એટલા માટે કે જે લોકો આર્થિક પછાત નથી તે લોકો નાણાં દ્વારા ઘણા લાભ લઇ શકે છે. અને મોટેભાગે તો આર્થિક પછાત જ સામાજીક પછાત હોય છે. આર્થિક સધ્ધર અનામતનો લાભ લે તો આમેય અનામત રાખવાનો કોઈ ખાસ ફાયદો નથી.

1.2. સરકારી શાળાઓમાં જ આર્થિક પછાત પરિવારના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે, ખાનગી શાળા અથવા બીજી કોઈ પ્રકારની સંસ્થામાં અનામત ન રાખવી જોઈએ. (હું ખાનગીકરણના વિરોધમાં છું. સરકારે જેમ બને તેમ વધુ સરકારી સંસ્થાઓ બનાવવી જોઈએ, ખાસ કરીને શિક્ષણ અને સારવાર માટે. મહત્તમ બજારુ સ્પર્ધા અને વિકાસ માટે સરકારી અને ખાનગી સંસ્થાઓનું સંતુલન હોવું જરૂરી છે. વિકાસ અને જાતિ આધારિત અનામત બંને સાથે શક્ય નથી; અનામતને કારણે વિકાસ ધીમો થશે.)

1.3. સામાજીક/આર્થિક પછાત વિદ્યાર્થીઓના ગુણ/માર્ક્સમાં કોઈ વધારો ન ગણવો જોઈએ. પોલીસ/સેના જેવી પરીક્ષાઓમાં શારરિક માપમાં છૂટછાટ ન આપવી જોઈએ.

1.4. રાજકારણમાં, પંચાયતમાં અને નગર પાલિકામાં નોકરી માટે જાતિ આધારિત અનામત કદાચ રાખી શકાય.

1.5. 30 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં જાતિ આધારિત અનામત ન હોવી જોઈએ.

1.6. બઢતી માટે કોઈ અનામત કે ખાસ જોગવાઈ ન હોવી જોઈએ.

1.7. સરકારી શિક્ષક, સરકારી ડૉક્ટર, સૈન્ય, સરકારી જાસૂસી સંસ્થાઓ, ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ વગેરે જેવામાં કોઈ પદ માટે આર્થિક/જાતિ આધારિત અનામત ન હોવી જોઈએ.

1.8. મહિલાઓ માટે કોઈ અનામત ન હોવી જોઈએ. જો કે કદાચ મહિલાઓને લગતા ખાતા/ક્ષેત્રોમાં અનામત રાખી શકાય, એ પણ 100% સુધી.

1.9. આ સિવાયના કેટલાક વર્ગોને (વિકલાંગ, રમતવીર, ભૂતપૂર્વ સૈનિક, વગેરેને) અનામત મળે છે એ ભલે રહે.

1.10. સરકારી નોકરીની પરીક્ષામાં ફી જાતિને આધારે નક્કી ન થવી જોઈએ, આર્થિક આધારે નક્કી થવી જોઈએ.

1.11. સરકારી નોકરીમાં વય મર્યાદા આર્થિક કે જાતિ કે બીજા કોઈ આધારે ન હોવી જોઈએ.

1.12. આમ વિદ્યાર્થીઓને આર્થિક, 1.4 માં જણાવેલ ક્ષેત્રોમાં જાતિ આધારિત અને 1.9 માં જણાવેલ લોકો સિવાયના બીજા કોઈ ક્ષેત્રમાં કોઈ પ્રકારની અનામત ન હોવી જોઈએ.

1.13. કિરણભાઈની પોસ્ટની એક કોમેન્ટમાં હરીશભાઈ દેસાઈએ કહ્યું એ પ્રમાણે જે વ્યક્તિએ અનામતનો લાભ લીધો હોય તો તેના સંતાનોને અનામત લાભ ન આપવો જોઈએ. મારા મતે જો કે કદાચ વધુ એક પેઢી સુધી લાભ આપી પણ શકાય, તેનાથી વધારે નહિ.

1.14. રાજ્યો માટે હાઇકોર્ટ અને કેન્દ્ર માટે સુપ્રીમ કોર્ટની સહમતી વગર અને પૂરતા આર્થિક, જાતિ તથા જનસંખ્યાના વિશ્લેષણ વગર કોઈ સરકાર અનામત દાખલ ન કરી શકવી જોઈએ.

1.15. સરકારી નોકરિયાતની કેબીનની બહાર કે તેમના ટેબલ પર નામની તકતી મુકવામાં આવે છે તેમાં અટક લખવામાં ન આવે.

“સામાજીક પછાત વર્ગ” અને “જાતિ આધારિત અનામત” વિષે કેટલાક પ્રશ્નો પણ છે:
2.1. અનામતને કારણે શું ભૂતકાળમાં ક્યારેય કોઈ પછાત વર્ગ મુખ્ય વર્ગની સમાન બની શક્યો છે?

2.2. જો અનામતને કારણે ભૂતકાળમાં કોઈ પછાત વર્ગ મુખ્ય વર્ગની સમાન આવી ગયો હોય તો તેવા વર્ગની અનામત રદ્દ કરવામાં આવી છે?

2.3. જો કોઈ પછાત વર્ગ અનામતનો લાભ મળવા છતાં મુખ્ય સમાજની સમાન ન બની શક્યો હોઈ તો ક્યારે બનશે તેનો કોઈ અંદાજ ખરો?

2.4. અનામત હોય તો જાતિવાદ વધે કે ઘટે? બિનઅનામત વર્ગ એમ માને છે કે હાલની જાતિ આધારિત અનામત અયોગ્ય અને અન્યાયી છે, તો શું અનામત રાખવાથી તો ઉલટો સામાજીક ભેદભાવ ન વધે?

2.5. શું બીજા કોઈ દેશમાં અનામતને કારણે સામાજીક સમાનતા આવી હોય તેવું કોઈ ઉદાહરણ છે?

2.6. શું સામાજીક સમાનતા લાવવા માટે અનામત સિવાય કોઈ બીજો ઉપાય નથી?

2.7. શું પછાત વર્ગ અનામત દ્વારા એ લોકો/વર્ગની બરોબરી કરી શકશે કે જે જાતિવાદ, ઊંચ-નીચ, આભડછેટ, વગેરેમાં માને છે? ભેદભાવમાં માનનારા લોકો શું અનામતને કારણે સામાજીક પછાત વર્ગો સાથે સમાનતા ભર્યો વ્યવહાર કરવા લાગશે?

Group of Cheerful Rural Indian Children playing in a village in Maharashtra

લોકોની ટિપ્પણીઓના જવાબો:
3.1. અનામત પ્રતિનિધત્વ માટે છે. —— આ અર્ધસત્ય છે. પ્રતિનિધિત્વ ફક્ત અમુક હોદ્દા/નોકરી માટે લાગુ પડે, વિદ્યાર્થી માટે નહિ. આથી જો પ્રતિનિધિત્વ માટે જ અનામત હોત તો વિદ્યાર્થીઓ માટે અનામત ન હોત. અનામત અને પ્રતિનિધિત્વ આપવા પાછળ “મૂળ કારણ” સામાજીક અસમાનતા છે.

3.2. મંદિરોમાં બ્રાહ્મણોને લગભગ 100% અનામત છે. —— આને કાયદાકીય અનામત સાથે કોઈ સંબંધ નથી. અનામત હોય કે ન હોય તેનાથી આ બાબતે કોઈ ફેર નથી પડતો. જેમને અન્યાય લાગે છે તેમણે મંદિરોમાં જવાનું બંધ કરી શકાય અથવા પોતાના મંદિરો બાંધી શકાય અથવા અદાલતનો સહારો લઇ શકાય.

3.3. વરઘોડા કાઢવાની, ઘોડા ઉપર બેસવાની, જાહેર સ્ત્રોતમાંથી પાણી પીવાની, વગેરે જેવી બાબતોમાં થતી અસમાનતા અને અત્યાચાર —— અનામતને આ બધી બાબતો સાથે કોઈ સંબંધ નથી. તેની માટે આમેય એટ્રોસીટીનો કાયદો છે.

3.4. સામાજીક પછાત વર્ગો પર સેંકડો વર્ષોથી સામાજીક ઉચ્ચ વર્ગના પૂર્વજોએ મુદ્દા 3.2-3.3 માં જણાવેલ જેવા અત્યાચાર કર્યા એટલે હવે તેમની હાલની પેઢીએ ભોગવવાનું! —— આ તો વિચિત્ર તર્ક ગણાય. કોઈ કાયદામાં બાપની સજા દિકરાને આપવામાં આવે એવી જોગવાઈ નથી. ઉપરાંત આનો મતલબ તો એવો થાય કે કૉંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો એટલે ભાજપને પણ ભ્રષ્ટાચાર કરવા દેવાનો! કૉંગ્રેસના સમયમાં શીખોની હત્યાઓ થઇ તો ભાજપના સમયમાં મુસ્લિમોની હત્યાને વ્યાજબી ગણાવવાની!

3.5. કિરણભાઈ પોતાની પોસ્ટમાં ચોથા મુદ્દામાં કહી રહ્યા છે કે “જે અપાઈ રહ્યું છે એ સરકારનું જ અપાઈ રહ્યું છે ને, તમે ક્યાં આપો છો?”! —– આપે છે તો સરકાર પણ સરકાર પાસે રૂપિયા ક્યાંથી આવે છે?

3.6. સામાજીક પછાત વર્ગના લોકોને સામાજીક ઉચ્ચ વર્ગના લોકો પોતાની સોસાયટીમાં મકાન નથી લેવા દેતા. —– આ વાતને અનામત સાથે કોઈ સંબંધ નથી, આનું કારણ અલગ છે, અને આવો ભેદભાવ સામાજીક ઉચ્ચ વર્ગના જુદા-જુદા પેટા વર્ગો વચ્ચે પણ છે. આના પર આખી અલગ પોસ્ટ લખી શકાય તેમ છે.

અને કેટલાક અવલોકનો:
4.1. જો જાતિ આધારિત અનામત હશે કે જેથી પછાત જાતિઓને ગુણ/માર્ક્સમાં વધારો મળતો હોય અથવા નોકરી/બઢતી મળતી હોય તો બિનઅનામત વર્ગ એમ જ વિચારશે કે તે વર્ગના લોકોને અનામતને કારણે લાભ મળ્યો છે, નહિ કે તેમની આવડતને કારણે; અને તે સામાજીક ભેદભાવ વધારશે.

4.2. અનામત વર્ગના ઘણાખરા નેતાઓ રાજકારણમાં ફક્ત અનામતને કારણે ત્યાં પહોંચ્યા છે. પક્ષોએ તેમને સામાજીક પછાત વર્ગના મત મેળવવા માટે તેમને નેતા બનાવ્યા છે. પણ ઘણાખરા નેતાઓ તેમના સમાજના ઉદ્ધાર માટે ખરેખર કઈ કામ નથી કરી રહ્યા.

4.3. જો જાતિવાદ ન હોત તો અનામત ન હોત. મતલબ કે જરૂર એ છે કે જાતિવાદને દૂર કરવામાં આવે, જાતિ આધારિત અનામતની જરૂર જ નહિ પડે. (સાથે પ્રશ્ન 2.4 અને 2.7 જોઈ લેવા.)

શું મને જાતિ આધારિત અનામત યોગ્ય લાગે છે?
ના.
શું હું બિનઅનામત વર્ગમાં આવું છું એટલે અયોગ્ય લાગે છે?
ના.
મને જાતિ આધારિત અનામત એટલે અયોગ્ય લાગે છે કે તેનાથી સમાજમાં સમાનતા આવવાની સંભાવના નથી જણાતી.

ભલે મેં કહ્યું કે અમુક ક્ષેત્રોમાં જાતિ આધારિત અનામત કદાચ રાખી શકાય પણ ઉપર જણાવેલ પ્રશ્ન 2.4 અને 2.7 પરથી જ નક્કી થઇ જાય છે કે સામાજીક સમાનતા લાવવા જાતિ આધારિત અનામત પૂરતી કામ નહિ લાગે. ખરેખર તો સમાજમાં સમાનતા વિષે જાગરૂકતા લાવવી અનિવાર્ય છે, જાતિવાદ કાઢવાની જરૂર છે. દરેક વર્ગના લોકોએ જાતિ આધારિત લાભો આપવાની વાતો કરતા રાજકારણીઓ અને જ્ઞાતિના નેતાઓનો બહિષ્કાર કરવો જોઈએ. સામાજીક સમાનતાના લાભ અને જાતિવાદના નુકસાન વિષે સામાજીક જાગૃતિ ફેલાવવી જરૂરી છે.

કિરણ ત્રિવેદીની પોસ્ટ: https://www.facebook.com/groups/apnaaddagujarati/permalink/3468276183236131/

નેલ્સન પરમારની પોસ્ટ: https://www.facebook.com/groups/apnaaddagujarati/permalink/3081553691908384/

હું કોઈ જાતિવાદમાં નથી માનતો, મારી માટે સૌ મનુષ્યો સમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments