Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષપ્લીઝ તમે ઘરે રહો કે જેથી હું મારા બાળકોને મળી શકું. ~પુજા

પ્લીઝ તમે ઘરે રહો કે જેથી હું મારા બાળકોને મળી શકું. ~પુજા

આ ફોટોમાં જે શબ્દો છે એ બેંગ્લોરમાં મારા ઘરની બાજુમાં રહેતાં પૂજા નામના નર્સ બહેન દ્વારા લખાયેલાં છે.

તેઓ હાલ બેંગ્લોરની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરે છે. પૂજા મારી ખુબ સારી દોસ્ત છે એટલે એમની સાથે સતત વાતો થતી રહે છે. નર્સ હોવાથી હાલ એ દિવસ-રાત હોસ્પિટલ રહે છે. છેલ્લાં એક મહિનાથી ઘરે નથી આવી! હોસ્પિટલમાં જ ખાવાનું-સુવાનું છે. હોસ્પિટલ તરફથી મનાઈ છે કારણકે તે આખો દિવસ કોરોનાના પોઝીટીવ માણસોની સતત સેવામાં હોય છે. પોતે વિધવા છે. બે બાળકો છે. સાસુ-સસરા છે. પોતાના બાળકોને એક મહિનાથી એ મળી નથી એટલે રોજે મને વિડીયોકોલ કરે અને હું એના ઘરે જઈને એનાં બાળકો સાથે વાત કરાવું. (એના ઘરે બીજા ફોનની સગવડ નથી)

પૂજાએ એક કાગળમાં આપણી સૌ માટે આ વાક્ય લખીને મને ફોન પર અમુક વાતો કહી. ચાર જ વાત છે. અહીં લખું છું. શબ્દો પૂજાના જ છે:

૧) આપણો દેશ અને આખું વિશ્વ અત્યારે એક નહીં પણ બે મહામારી સામે લડી રહ્યું છે : એક કોરોના, અને બીજું મુર્ખાઓ. કોરોનાથી ત્યાં સુધી રાહત નહીં મળે જ્યાં સુધી મૂર્ખાઓ ઘરમાં નહીં પડ્યા રહે. પૂજાની નજર સામે અત્યારે કોરોનાના પાંચ કેસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય રહ્યા છે. શ્વાસ નથી લઇ શકતા એવા યુવાનો છે. ખબર છે એ પાંચેય વચ્ચે શું સામ્યતા છે? એ પાંચેય વિદેશથી નહોતા આવ્યાં, પણ ઘર બહાર નીકળીને રખડતાં-રખડતાં એમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

૨) એ પોતાનાં ચાર-પાંચ વર્ષના બાળકોને એક મહિનાથી નથી મળી શકી કારણકે મુર્ખાઓ શહેરમાં રખડ્યા કરે છે. એમને ગતાગમ નથી કે આ કઈ રીતે ફેલાય છે. એ ભૂખ્યાં-ગરીબ-પીડિત શ્રમજીવી પણ નથી. આ મુર્ખાઓ નાના-નાના ગામડેથી લઈને મોટા શહેરોમાં રસ્તાઓ ઉપર બસ માત્ર ‘મોજ ખાતર’ અને ‘મન ખુશ કરવા’ નીકળે છે અને બીજા ભોળા માણસોને પ્રેરે છે. એમને લીધે આ વાઈરસ હજુ એક મહીનો ઉભો નહીં રહે અને પૂજા જેવાં હજારો નર્સ-ડોક્ટર-પોલીસ પોતાનાં ઘરે નહીં જઈ શકે.

૩) એક માણસ પણ પોઝીટીવ હશે ત્યાં સુધી દેશને લોકડાઉનમાં જ રહેવું પડશે. (કારણકે એક પોઝીટીવ ‘ફરતો’ કેસ ફરીથી આખી સાકળ ઉભી કરશે). ઘર બહાર મોજ માટે રખડતાં માણસોને લીધે દેશ ફરી ચાલુ નહીં થઇ શકે. હજારો-લાખો નોકરીઓ જશે. ઈકોનોમી આમેય તળિયે છે. વધુ લાંબુ લોકડાઉન રહેશે તો સાવ તૂટી જશે. કોના લીધે? જવાબ છે: ચેપની સાઈકલને આગળ ધપાવવામાં બહાર નીકળતાં અબુધોને લીધે! એક પોઝીટીવ માણસ આખી ઈકોનોમીને ફરી બંધ કરાવી શકે છે. તમે તો બહાર નીકળીને મોજમાં આવી જશો, પણ પેલાં ગરીબ-ભૂખ્યાંઓનું શું જે લોકડાઉનને લીધે બરબાદ થઇ ગયા છે અને રાહ જુએ છે કે ક્યારે બધું પૂરું થાય અને મજુરી ચાલુ થાય. (દરેક બહાર નીકળતો માણસ આડકતરી રીતે આખા દેશને ધક્કો મારે છે આ કોરોનાની કાળી ખાઈમાં)

૪) કોઈ જોતું નથી કે ભારતમાં 1 કેસથી 1000 કેસ થવામાં આઠ અઠવાડિયા (૬૪ દિવસ) થયાં. અને 1000 થી આંકડો 2000 પહોંચતાં માત્ર 4 દિવસ લાગ્યાં છે! આંકડો જ્યારે 5000 પહોંચશે ત્યારે આ દેશ કંટ્રોલ નહીં કરી શકે. ટેસ્ટીંગ કીટ નહીં વધે. બેડ નહીં મળે. દવા-વેન્ટીલેટર ઘટી પડશે. સામાન્ય માણસનું મગજ આ ગણતરી કરે તો ખબર પડે કે આપણે અમેરિકા-ચીન નથી કે જેની પાસે સુવિધાઓ હોય. અહીં 2000 કેસમાં જ મરેલાઓનો આંકડો 70 પહોંચવા આવ્યો છે. જો તમે ઘરે રહેશો તો આ ગ્રાફ ફ્લેટ થશે નહીંતર તમે તો ઘરે નવી-નવી ચેલેન્જ/પ્રોગ્રામ/ટીવી-શો/ઇન્ટરનેટ લઈને જીવી નાખશો, પણ કેટલાયે માણસો કે જેના માટે તમે તે દિવસે પાંચ વાગ્યે થાળી-તાળી વગાડેલી એ એમની જિંદગીના સૌથી ખરાબ મહિનાઓ કાઢતાં હશે.
એટલે પ્લીઝ તમે ઘરે રહો કે જેથી હું મારા બાળકોને મળી શકું.

~જીતેષ દોંગા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments